Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

BTP-NCPના 'સહકાર'થી જીતની સ્થિતિ છતા ભાજપ હજુ 'ખેલ'ની તૈયારીમાં

કોંગ્રેસના વધુ એક બે ધારાસભ્યના રાજીનામા, ગેરહાજરી, ક્રોસ વોટીંગ, મતમાં વિવાદ સહિતના વિકલ્પો ખૂલ્લાઃ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ અને આશિષ સેલરની હાજરીમાં સાંજે ધારાસભ્યોની બેઠકઃ મતદાન અંગે 'સમજ' અપાશે

રાજકોટ, તા., ૧૭: રાજયસભાની ગુજરાતની ચાર બેઠકોની ચુંટણી શુક્રવારે યોજાનાર છે. મતદાન આડે આવતીકાલનો એક દિવસ બાકી રહયો હોવાથી રાજકીય ગરમાવો વધી રહયો છે. ભાજપને અત્યારે જે આશા અને ગોઠવણ છે તે મુજબ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્યો છોટુભાઇ વસાવા અને મહેશ વસાવાનો મત તથા એનસીપીના કાંધલ જાડેજાનો મત મળે તો ત્રીજા ઉમેદવાર નરહરી અમીનની જીત પાક્કી થઇ જાય તેમ છે. પુર્વ સાવચેતી રૂપે ભાજપ વધારાની વ્યવસ્થામાં વ્યસ્ત દેખાય છે. મતદાન પુર્વે અથવા મતદાન પછી તુરત  કોંગ્રેસના એક-બે ધારાસભ્યો રાજીનામા આપે અથવા ગેરહાજર રહીને કે ક્રોસ વોટીંગ કરીને ભાજપને સહકાર આપે તેવી શકયતા નકારાતી નથી. ભુતકાળમાં એક-એક મત માટે વિવાદ થયેલ તે પ્રકારના વિવાદની પણ સંભાવના રહેલી જણાય છે.

હાલ ભાજપ પાસે ૧૦૩ અને કોંગ્રેસમાં ૬પ ઉપરાંત અપક્ષ જીજ્ઞેશ મેવાણીનો એક મત મળી કુલ ૬૬ મત છે. બીટીપીના ર અને એનસીપીના એક મત માટે ખેંચતાણ ચાલી રહી છે. આ ત્રણેય મત નિર્ણાયક ગણાય છે. કોંગ્રેસને આ ત્રણ મત મળે તેવી શકયતા અત્યારે નહિવત જણાય છે. કોંગ્રેસે બે બેઠકો જીતવા માટે ૭૦ મત ભેગા કરવા જરૂરી છે. એકડા-બગડાની રમત અઘરી છે. જો કોઇ ધારાસભ્ય મતદાનમાં ભુલ કરે તો પોતાના ઉમેદવારને મોટુ નુકશાન કરી શકે તે બાબત ધ્યાને રાખે બંન્ને પક્ષ દ્વારા મતદાન પુર્વે ધારાસભ્યોને મતદાનની તાલીમ આપવાનું નક્કી થયુ઼ છે. મતદાન પુર્વેના છેલ્લી કલાકોમાં ભાજપ કોંગ્રેસને વધુ આંચકો આપવા માટે પ્રયત્નશીલ જણાય છે. ભાજપ દ્વારા આ ચુંટણીમાં કેન્દ્રીય નીરીક્ષક તરીકે ભુપેન્દ્ર યાદવ અને મહારાષ્ટ્રના આશીષ સેલરની નિમણુંક થઇ છે. તેમની હાજરીમાં આજે સાંજે ગાંધીનગર ઉમીયાધામ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી છે.

ગૃહમાં હાલ ૧૭ર ધારાસભ્યો છે. જેમાં ભાજપના ૧૦૩, કોંગ્રેસના (અપક્ષ સાથે) ૬૬, ૧ એનસીપી, ર બીટીપીનો સમાવેશ થાય છે. રાજયસભા ચુંટણીમાં મતદાન થાય ત્યારે એક મતનું મુલ્ય ૧૦૦ ગણતા કુલ મતોનું મુલ્ય ૧૭,૨૦૦નું થાય. જેને ફોર્મ્યુલા મુજબ ૪ બેઠકો વતા એક એમ કુલ પાંચ વડે ભાગતા જીતનો કવોટા ૩,૪૪૦ વતા એક એમ કુલ મળી ૩,૪૪૧ થાય. હાલ ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો તો છે જ. આથી પહેલી બેઠક જીત્યા બાદ ફર્સ્ટ પ્રેફરન્સના ૬૮પ૯ મતો વધશે. બીજી બેઠક જીત્યા બાદ ૩,૪૧૮ મતો વધશે. જેમાં કાંધલ જાડેજાના ૧૦૦ મતો ઉમેરતા ત્રીજા ઉમેદવાર નરહરી અમીન જીતી જાય તેવી અત્યારની સ્થિતિ છે. જો કે ધારણા આધારીત આ ગણીત મતદાનના દિવસે મતદાન દરમિયાન અને ત્યાર બાદ ગણતરી વખતે વોટ રદ થવાની સ્થિતિમાં બદલાઇ શકે તેમ છે. સામા પક્ષે કોંગ્રેસમાં ૬,૬૦૦નો કવોટા છે. જેમાં બીજી બેઠક જીતવા ર૮ર અર્થાત બે થી વધુ ધારાસભ્યોના ફર્સ્ટ પ્રેફરન્સના મતો અનિવાર્ય છે. હવે પછી મતદાનના સમય સુધીમાં શું નવા-જુની થાય છે? તે તરફ રાજકીય વર્તુળોની મીટ છે.

(11:36 am IST)