Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજપીપળા લિલોડીયા ફળીયામા છેલ્લા દોઢ વર્ષથી પીવાના પાણીની મોકાણ:કલેકટર ને આવેદનપત્ર

અગાઉ એક વર્ષ પહેલાં પણ આ મુદ્દે કલેકટરને આવેદન અપાયું હતું,છતાં કોઈ પગલાં લેવાયાં નથી: દરબાર રોડ,ભાટવાડા,સોનિવાડ સહિતના ઘણા વિસ્તારોમાં ઓછા પ્રેસરથી અને પંદર વીસ મિનિટ જ પાણી આવવાની સમસ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના કથળી ચૂકેલો વહીવટ નગરજનો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. જેમાં આશાપુરી મંદિર પાછળ આવેલા લિલોડીયા ફળીયામા છેલ્લાં દોઢ વર્ષથી પુરતાં પ્રમાણમાં પાણી આવતું જ નથી. ઘરની અંદરના નળમા પાણી આવતું નથી, બહારના નળેથી મહીલાઓને પાણી ભરવું પડે છે. અને માત્ર પંદર કે વિસ મિનિટ જ પાણી આવતું હોવાથી ઘરના અન્ય કામો થતા નથી તથા પીવાનું પાણી પણ પુરતું ભરી શકાતું નથી, તેવો બળાપો આવેદનપત્ર આપવા આવેલી મહીલાઓ એ ઠાલવ્યો હતો.જોકે નગરપાલિકામા આ મુદ્દે વારંવાર રજુઆતો કરવા છતાં સત્તાધીશો ના પેટ નુ પાણી હાલતું નથી તેમ પણ મહિલાઓ એ જણાવ્યું હતું.

 જોકે આ સમસ્યા ફક્ત લીલોડિયા ફળીયા માં નથી પરંતુ શહેરના દરબાર રોડ,ભાટવાડા, સોનિવાડ સહિત ના ઘણા વિસ્તારો માં ઓછા પ્રેસર થી અને પંદર વીસ મિનિટ જ પાણી આવવાની ફરિયાદ સંભળાઈ રહી હોય આ વિસ્તાર ના લોકો એ પણ અગાઉ રજૂઆતો કરવા છતાં સમસ્યા નો કાયમી ઉકેલ આવતો નથી જ્યારે અમુક વિસ્તારો માં પાણી ની રેલમછેલ જોવા મળે છે તેમ પણ જાણવા મળ્યું હતું.

(7:05 pm IST)