Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોગ્રેસના બધા ધારાસભ્યને હોટલમાં રાખવામાં આવ્યા

રાજ્યસભાની ૧૯મી જૂને ચૂંટણી

અમદાવાદ,તા. : આગામી ૧૯મી જુને યોજાનારી રાજ્યસભાની બેઠકની ચુંટણી આડે હવે ગણતરી કાઉનડાઉન થઇ રહ્યું છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્રારા  ગાંધીનગર પાસે આવેલ ઉમેદ હોટલમાં ધારાસભ્યો ને એકત્ર કરવાનું આયોજન કરેલ છે. જેના ભાગરુપ રાજસ્થાન મોકલાયેલ ધારાસભ્યોનું પ્રથમ ગૃપ આજે બપોરે હોટલ ઉમેદ પહોંચતું હતું.જ્યારે અન્ય સ્થળો રોકાયેલ જુથ મોડી રાત સુધી પહોંચશે. ગુજરાતમાં ૧૯ જુને યોજાનારી બેઠકની રાજ્યસભાની ચુંટણી આડે હવે બે દિવસ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. જેમાં હવે ભાજપ ત્રણ બેઠક જીતવા અને કોંગ્રેસ બે બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

           કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામા ધરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસ તેના ૬૫ ધારાસભ્યોમાંથી વધુ ધારાસભ્ય તૂટે નહીં તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. આજે જુદા જુદા જૂથમાં રખાયેલ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધારાસભ્યો એરપોર્ટ નજીક ગાંધીનગરમાં આવેલ હોટલ ઉમેદમાં મોડી રાત સુધી પહોંચશે. ધારાસભ્યને ૧૯મીએ અહીંથી સીધા મતદાન માટે લઇ જવાશે જ્યારે દરમિયાન ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીના મતદાન અંગેની તાલીમ અપાશે. ઉત્તરગુજરાતના ધારાસભ્યો રાજસ્થાનના શિહોરીથી ઉમેદ હોટલ પહોંચી ચુક્યા છે જેમાં અશ્વિન કોટવાલ, લાખાભાઈ ભરવાડ, અનિલ જેસિયારા, જસુભાઈ પટેલ, ચંદનજી ઠાકોર, કિરિટ પટેલ સહિતના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હોટલ ઉમેદ પહોંચ્યા છે.

(10:28 pm IST)