Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગુજરાતમાં સુશિક્ષિત યુવાનો દ્વારા 'ગાંજા'નો ઓનલાઈન કારોબાર

કોમર્સ ગ્રેજ્યુએટ આરિફ શેખ ૨૦૧૫માં ક્રાઈમ બ્રાંચના હાથે અને ૨૦૧૭માં બેંગ્લોર પોલીસના હાથે ઝડપાવા છતા કોલ્સ સેન્ટરના કોલરની નોકરી છોડી અમદાવાદમાં ગાંજા સપ્લાયમાં ગળાડૂબ બનેલ : ભાવનગરના મનન શાહની કોલ્સ ડીટેઈલ્સ રાજ્યના અનેક યુવાનોને ગાંજાની સપ્લાય થતી હોવાની ચાડી ખાય છેઃ ડીઆઈજી અશોકકુમાર યાદવ અને ડીસીપી ડો. હર્ષદ પટેલ કહે છે કે ગુજરાત પોલીસ ડ્રગ્સ માફીયાઓ સામે જંગ ખેલવા સજ્જ છે

રાજકોટ, તા. ૧૭ :. પંજાબમાં કરોડો રૂપિયાના ગાંજા સહિતના કેફી પદાર્થો પકડાયાના પગલે ગુજરાતમાં પણ મોટાપાયે ગાંજાનું વેચાણ થઈ રહ્યાની બાતમી આધારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુજરાતના તમામ એસપીઓ, રેન્જ વડાઓ, પોલીસ કમિશ્નરો અને મહત્વની બ્રાંચોના વડાઓ સાથે ચર્ચા કરી કોઈપણ ભોગે ગાંજા વેચાણનું નેટવર્ક ભેદવા આપેલી સૂચના મુજબ અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો. હર્ષદ પટેલ ટીમ દ્વારા અમદાવાદમાંથી ૧૦ દિવસમાં જ ૧૧ કિલો ગાંજો પકડાયો છે.

તાજેતરમાં જ એસઓજીની આ ઝુંબેશ દરમિયાન કોમર્સ ગ્રેજ્યુએટ આરિફ શેખ નામનો યુવાન રીવર ફ્રન્ટ પરથી ગાંજાના જથ્થા સાથે એસઓજી પીએસઆઈ એમ.એલ. સોલંકીની બાતમી આધારે પકડી પડાયો છે. નવાઈની વાત એ છે કે, ૨૦૧૫માં ક્રાઈમ બ્રાંચ હાથે ઝડપાયેલ આ યુવાન ૨૦૧૭માં બેંગ્લોર પોલીસ સાથે ઝડપાયો હતો.

અમદાવાદમાં જે રીતે ગાંજાના જથ્થા સાથે આરિફ શેખને પકડવામાં આવ્યો તે રીતે જ ભાવનગરના સુશિક્ષિત અને પ્રતિષ્ઠીત આગેવાનના પુત્ર મનન શાહ પણ જે રીતે ગાંજાની પડીકીઓ સાથે ઝડપાયો તેની પાસેથી પણ ચોંકાવનારી માહિતી મળી છે. ગાંજાના સપ્લાયરને આ યુવાન ઈ-પેમેન્ટ દ્વારા ડીલેવરી કરતો. ઉકત બાબતે ભાવનગર રેન્જના ડીઆઈજી અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, માત્ર ભાવનગર જ નહિ અમરેલી અને બોટાદ પોલીસને નશાના કારોબાર સામે સાવધ રહેવા આપેલી સૂચના રંગ લાવી રહી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, અમારી ભાવનગરની એસઓજી પીઆઈ સર્જક બારોટ અને તેની ટીમે ગાંજાના ધંધાની અનેક બાબતો પ્રકાશમાં લાવી છે. તેઓએ જણાવેલ કે, ઉકત યુવાનના કોલ્સ રેકર્ડ પ્રમાણે રાજ્યના અનેક કોલેજ સ્ટુડન્ટોને ગાંજો સપ્લાય કરવામાં આવતો. ગુજરાતમાં ગાંજો કે બીજા કોઈ નશીલા પદાર્થ ન પ્રવેશે તે માટે ગુજરાત પોલીસ સાબદી છે તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર ન હોવાનું ડીઆઈજી અશોકકુમાર યાદવ અને અમદાવાદ એસઓજી ક્રાઈમના ડીસીપી ડો. હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(1:15 pm IST)