Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અમદાવાદમાં ૨ દિ' ગરમીનું યલો એલર્ટ

વિવિધ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર જતાં લોકો અકળાયા છે : લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાતાં રાત્રે બફારો અને ઉકળાટ વધ્‍યો : શહેરમાં ૧૫ દિવસમાં ૩૨૩૦ લોકોને હિટસ્‍ટ્રોકની અસર થઈ છે

 અમદાવાદ,તા.૨૭ : ગુજરાતમાં ગરમી વધી છે. જેમાં અમદાવાદમાં ૨ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. રાજ્‍યના મોટાભાગના શહેરમાં માત્ર બે દિવસમાં જ તાપમાનનો પારો ઉચકાતાં કાળઝાળ ગરમીનો રાઉન્‍ડ શરૂ થયો છે. રવિવારના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં વરસાદી વાતાવરણ નોંધાતા મોટાભાગના શહેરનું તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે આવી ગયું હતુ. પરંતુ આજે પારો ૪૧ ડિગ્રીને પાર જતાં લોકો અકળાયા છે.

 મહત્તમ તાપમાનની સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પરો ઊંચકાતાં રાત્રે બફારો અને ઉકળાય વધ્‍યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૨૭ ડિગ્રીએ પહોંચ્‍યું છે. આ સિવાય અન્‍ય મોટાભાગના શહેરનું તાપમાન  પણ વધ્‍યુ છે. ગરમી વધતા અમદાવાદમાં ૨ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જેમાં આજે અને કાલે ૪૧થી ૪૩ ડિગ્રી ગરમીનો પારો રહેવાની શકયતા છે. ગઇકાલે મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૧.૩ ડિગ્રીએ પહોંચ્‍યો હતો.

 શહેરમાં ૧૫ દિવસમાં ૩૨૩૦ લોકોને હિટસ્‍ટ્રોકની અસર થઈ છે. તેમજ ગઇકાલે સિઝનનું બીજું સૌથી ઊંચુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. તથા રાજ્‍યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી ગરમીનો પારો પહોંચ્‍યો છે. તેમજ ડીસામાં ૩૯.૮ ડિગ્રી તથા ગાંધીનગરમાં ૩૯.૮ જ્‍યારે વડોદરામાં ૪૨ ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્‍યો છે. સુરત ૪૦ અને વલસાડમાં ૪૧.૨ ડિગ્રી સાથે પોરબંદર ૪૧.૩ અને રાજકોટ ૪૧.૫ ડિગ્રી તથા કેશોદમાં ૪૧.૨ જ્‍યારે મહુવામાં ૪૩ ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્‍યો છે. અમદાવાદ સહિત રાજ્‍યભરમાં કાળઝાળ ગરમીનો રાઉન્‍ડ શરૂ થઈ ગયો છે. મંગળવારે ગુજરાતનાં ૯ શહેરમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહુવામાં ૪૩ ડિગ્રી તાપમાન થતાં લોકો ગરમીમાં શેકાયા હતાં.

(3:47 pm IST)