Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

દિલ્હીથી બોગસ કોલ સેન્ટર પકડયું : ત્રણની ધરપકડ થઇ

ગેરકાયદે કોલ સેન્ટર ચલાવનાર સામે કાર્યવાહીઃ કોમ્પ્યુટર, લેપટોપ, મેજિક જેક સહિતનો મુદ્દામાલ કબજે

અમદાવાદ,તા. ૧૭: અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ કોલ સેન્ટર દ્વારા પ્રધાનમંત્રી યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલે સાયબર ક્રાઈમે દિલ્હીમાંથી બે યુવતી અને બે યુવક મળીને કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, પ્રધાનમંત્રી યોજનાના નામે લોકો સાથે છેતરપીંડી આચરાઇ રહી હોવાનંું સમગ્ર કૌભાંડ દિલ્હીના નેટવર્કથી ચાલી રહ્યું છે, જેને લઇ પોલીસે ભારે ગુપ્તતા સાથે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી હતી અને આખરે આજે તેના મૂળ સુધી પહોંચી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ દિલ્હી ખાતે દરોડા પાડી આ બોગસ કોલ સેન્ટર ઝડપી પાડયું હતું અને તેના મારફતે પ્રધાનમંત્રી યોજનાના નામે લોકો સાથે છેતરપીંડી આચરવાનું કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.  આરોપીઓ બોગસ કોલ કરી લોકોને પ્રધાનમંત્રી યોજનાઓનો લાભ આપવાની વાત કરી તેમની જાળમાં ફસાવતાં હતા અને તેમની પાસેથી યેનકેન પ્રકારે નાણાં ખંખેરતા  હતા. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં બે યુવક અને બે યુવતી સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની વધુ પૂછપરછ કરી મામલે તપાસ હાથ ધરી છે.

(9:58 pm IST)