Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ત્રણ મહિના પહેલાં પ્રેમલગ્ન કરનારા યુવાનની લાશ મળી

યુવકની હત્યા કરી લાશ ફેંકી દેવાયાની શંકાઃ ચાંદલોડિયાના પૂજારીના પુત્રના મોતને લઇને ઉઠેલા અનેક સવાલો : પોલીસે મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી

અમદાવાદ, તા.૧૭: શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા પૂજારીનો પુત્ર બે દિવસ પહેલાં રહસ્મય રીતે ગુમ થયા બાદ ગઇકાલે સાબરમતી નદીમાંથી તેની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. પૂજારીના પુત્રના ગળામાં તેમજ શરીરની અલગ અલગ જગ્યાએ ઇજાનાં નિશાન હોવાથી તેની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી દેવાઇ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યુવકે હજુ જાન્યુઆરી મહિનામાં તેના સમાજની એક યુવતી સાથે લગ્ન કર્યાં હતાં, જેની અદાવત રાખીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય તેવી શંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે. જેથી હવે આ સમગ્ર મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ ચંદ્રેશ્વરનગરમાં રહેતા રપ વર્ષીય વિજય દશરથભાઇ પ્રજાપતિ નામના યુવકની લાશ ગઇકાલે સાબરમતી નદીમાંથી મળી આવી હતી. વિજયે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી દેવામાં આવી છે તે મામલે રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાસ કરીને મૃતક વિજયના પરિવારજનોએ તેના મોતને લઇ અનેક સવાલો ઉઠાવ્યા છે અને તેની હત્યાની આશંકા પણ વ્યકત કરી છે, જેથી પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિજય ચાંદલોડિયા વિસ્તારના ચંદ્રેશ્વરનગરમાં સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને ડેન્ટીસ્ટની હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. વિજયના પિતા દશરથભાઇ ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ એક મંદિરના પૂજારી છે. દશરથભાઇએ કરેલા આક્ષેપ પ્રમાણે વિજયની હત્યા કરીને તેની લાશને નદીમાં ફેંકીને સમગ્ર ઘટના આત્મહત્યામાં ખપાવવા માટેની કોશિશ કરાઇ રહી છે. વિજયને છ વર્ષથી નરોડામાં રહેતી અને તેમના સમાજની હેતલ મૂળચંદભાઇ પ્રજાપતિ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બન્નેના પ્રેમસંબંધની જાણ દશરથભાઇ અને તેમના પરિવારને થતાં તેઓ વિજયનાં લગ્ન હેતલ સાથે કરાવવા માટે નરોડા મૂળચંદભાઇના ઘરે ગયા હતા. મૂળચંદભાઇએ હેતલનાં લગ્ન વિજય સાથે કરાવવાની હા પાડી દીધી હતી, જોકે તેમાં એક શરત રાખી હતી કે હેતલના ભાઇનાં લગ્ન દશરથભાઇની દીકરી કે સમાજની અન્ય યુવતી સાથે કરાવવા પડશે. દશરથભાઇ સાટા પદ્ધતિથી લગ્ન કરવાનો ઇનકાર કરીને ઘરે આવી ગયા હતા. એ પછી તા.ર૪ જાન્યુઆરી, ર૦૧૯ના રોજ વિજય અને હેતલે ચુપચાપ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં અને બન્ને જણાં પોતપોતાના ઘરે જતાં રહ્યાં હતાં. લગ્નના એક મહિના બાદ વિજય હેતલને તેના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેણે દશરથભાઇ અને તેનાં પરિવારજનોને લગ્ન કરી લીધાં હોવાનું કહી દીધું હતું.બન્ને જણાંએ લગ્ન કરી લેતાં દશરથભાઇએ તેમને અપનાવી લીધાં હતાં, જોકે થોડાક સમય પછી હેતલની બહેન રેખા ત્યાં આવી હતી અને પંદર દિવસ પછી તેને મોકલી દઇશું તેમ કહીને ઘરે લઇ ગઇ હતી. પંદર દિવસ પછી હેતલ વિજય સાથે નહીં આવતાં તે નરોડા પહોંચી ગયો હતો, જ્યાં મૂળચંદભાઇ અને તેમના પુત્રોએ પોલીસને બોલાવી હતી. નરોડા પોલીસ સ્ટેશનથી વિજય પરત આવતાં દશરથભાઇએ સમાજના આગેવાનો સાથે મળીને બેઠક કરી હતી અને હેતલને મોકલી આપવા માટે વિનંતી મૂળચંદભાઇને કરી હતી, જોકે મૂળચંદભાઇએ સાટા પદ્ધતિથી પુત્રનાં લગ્નની વાત કરી હતી, નહીં તો છૂટાછેડા માટેની વાત કરી હતી. થોડાક દિવસ પછી હેતલે નરોડા પોલીસ સ્ટેશનમાં વિજય અને તેનાં પરિવારજનો વિરુદ્ધમાં જબરદસ્તી લગ્ન કરાવ્યાં હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ પર વિજય અને તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઇને સમાધાન કરી લીધું હતું. હેતલે ફરિયાદ કર્યા બાદ વિજય સાથે છૂટાછેડાની વાત કરી હતી, જેમાં બન્ને પક્ષ વચ્ચે મેટ્રો કોર્ટમાં મારામારી પણ થોડાક દિવસ પહેલાં થઇ હતી, જ્યાં વિજયને પતાવી દેવાની ધમકી મૂળચંદભાઇ અને તેમના પુત્રોએ આપી હતી. વિજયને છૂટાછેડા આપવા માટે હેતલ અને પરિવારજનોએ દબાણ કર્યું હતું.

બે દિવસ પહેલાં રાત્રે વિજય તેના ફોન પર વાત કર્યા બાદ ઘરે મોબાઇલ ફોન મૂકીને નીકળી ગયો હતો. દશરથભાઇ અને તેમનાં પરિવારજનોએ તેને શોધવા માટે અલગ અલગ જગ્યાએ તપાસ કરી, પરંતુ તેનો કોઇ પત્તો નહીં લાગતાં સોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણ કરી હતી. ગઇકાલે વિજયની લાશ નદીમાંથી મળી આવી હતી, જ્યાં તેના શરીર પર ઇજાનાં નિશાન હતાં. દશરથભાઇને શંકા છે કે વિજયની હત્યા કરીને તેની લાશને નદીમાં ફેંકી દીધી છે. પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે.

(9:45 pm IST)