Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

વડોદરા કોર્ટમાં ટેબલની જગ્યા પ્રશ્ને વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ચક્કાજામ

વડોદરા, તા. ૧૭: ટેબલ સ્પેસ મુદ્દે વડોદરા કોર્ટના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યાં છે. જેથી વકીલોએ આજે અસીલોને  ગઈકાલે કોર્ટમાં જતા અટકાવ્યા હતા. જોકે, પોલીસે અસીલોને સુરક્ષા સાથે કોર્ટમાં લઇ જતા વકીલો અને પોલીસ વચ્ચે દ્યર્ષણ થયું હતું. સોમવારે વકીલ મંડળે બેઠક બોલાવી હતી. જેમાં તેઓએ જયાં સુધી બેઠક વ્યવસ્થાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત હડતાળ ઉપર જવાનો ઠરાવ પસાર કર્યો હતો.

નવી કોર્ટની શરૂઆત થઇ ત્યારથી વકીલો બેઠક વ્યવસ્થાના મુદ્દે ન્યાયતંત્ર સામે લડત આપી રહ્યા છે. પરંતુ, વકીલોનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. ગઈકાલે સવારથી વકીલો કોર્ટના ગેટની બહાર બેસી ગયા હતા. અને કોર્ટમાં વિવિધ કામ માટે આવતા અસીલોને કોર્ટમાં જતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કોર્ટ દ્વારા સવારથી જ કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલી પોલીસે અસીલોને કોર્ટમાં બંદોબસ્ત સાથે લઇ જતાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની આગેવાનીમાં પણ વકીલો હડતાળ ઉપર રહેતા કોર્ટમાં વિવિધ કામો માટે આવતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. કેટલાંક લોકો દૂરથી કામ માટે આવ્યા હતા. પરંતુ, વકીલો હડતાળ ઉપર હોવાના કારણે લોકોને કામ પુરૂ કર્યા વિના પરત જવાની ફરજ પડી હતી. કોર્ટની બહાર અને સંકુલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(5:37 pm IST)