Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જાને કયો લોગ પ્રચાર કિયા કરતે હૈ, વચન કે બદલે મેં મત લિયા કરતે હૈ...

છેલ્લા પ દિ' પ્રચારની પરાકાષ્ઠાઃ મતદાનને આડે ૬ દિ' બાકી

રવિવારે સાંજે જાહેર પ્રચાર બંધ થઇ જશેઃ મતદારોને રીઝવવા છેલ્લા દિવસોની દોડધામઃ મતદાન પછી એક મહિને મત ગણતરી

રાજકોટ, તા. ૧૭ :. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણી અને ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીના મતદાન આડે ૬ દિવસ બાકી રહ્યા છે. તા. ૨૧મીએ સાંજે ૫ વાગ્યે પ્રચારના ભૂંગળા બંધ થશે તે પૂર્વે આજના દિવસ સહિતના જાહેર પ્રચારના છેલ્લા પાંચ દિવસમાં પ્રચારની પરાકાષ્ટા સર્જવામાં આવી રહી છે. પ્રદેશના અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાતને ધમરોળી રહ્યા છે. ભાજપે તમામ ૨૬ બેઠકો જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. કોંગ્રેસે તેમા મોટો ભાગ પડાવવા કમર કસી છે. ૫૧૦૦૦ જેટલા મતદાન મથકો પર સાડા ચાર કરોડ જેટલા મતદારોએ પસંદગીનો ફેંસલો કરવાનો છે.

ગુજરાતમાં ૨૮ માર્ચે ચૂંટણીનું જાહેરનામુ બહાર પડેલ. ૪ એપ્રિલે ઉમેદવારી કરવાની પ્રક્રિયા પુરી થયા બાદ ચૂંટણી પ્રચારમાં વેગ આવેલ. કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતા અને પોતાના ઘોષણા પત્રના આધારે મત માગ્યા છે. ભાજપ મોદી સરકારની કામગીરીના આધારે મેદાને છે. અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈ મોદી, રાહુલ ગાંધી, અમિતભાઈ શાહ, રાજનાથસિંહ, અહેમદ પટેલ, દેવેન્દ્ર ફડનવીસ, યોગી આદિત્યનાથ વગેરે પ્રચારમાં આવી ગયા છે. જાહેર પ્રચારના છેલ્લા પાંચ દિવસોમાં ફરી મોદી અને રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રાષ્ટ્રીય નેતાઓની જાહેરસભાઓ અને રોડ શો ઉપરાંત ઉમેદવારોના સંમેલનો, જુથ બેઠકો, લોકસંપર્કો વગેરે ચાલુ છે. આવતા મંગળવારે રાજ્યમાં મતદાન હોવા છતા હજુ ચૂંટણીનો માહોલ બરાબર જામતો નથી. મતદારો મને-કમને બધા ઉમેદવારોને આવકારી મત આપવાનું આશ્વાસન આપે છે પરંતુ મન કળાવા દેતા નથી. કોઈ એક મુદ્દા પર ચૂંટણી પ્રચાર કેન્દ્રીત થયેલો જણાતો નથી. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ-બસપા-એનસીપી વગેરે ઉપરાંત અપક્ષો સહિત ૪૭૧ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ દેખાય છે. મંગળવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મતદારો પોતાનો મત ઈવીએમમાં કેદ કરે પછી મશીન ૨૩ મે એ ખુલશે. ગુજરાતના મતદારોએ મતદાન પછી પરિણામ માટે બરાબર એક મહિનો રાહ જોવી પડશે.

(3:33 pm IST)