Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સાબરમતીની જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ આપઘાત કર્યો

આત્મહત્યાના કારણને લઇને તપાસ હાથ ધરાઈઃ કેસના કાચા કામના કેદી હમીરે પોતાના લેંઘા વડે જેલના બાથરૃમમાં જ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી

અમદાવાદ,તા.૧૭: સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે એક કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર જેલ સંકુલમાં જોરદાર ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે સાબરમતી પોલીસે જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મરનાર કેદી બોપલના દુષ્કર્મ કેસનો કાચા કામનો કેદી હતો અને તેણે પોતાના લેંઘા વડે જેલના બાથરૃમમાં જ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સાબરમતી જેલમાં કેદીના આપઘાતના બનાવને પગલે જેલના અન્ય કેદીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે હમીર દેસાઇ નામના કાચા કામના કેદીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી.

કાચા કામના કેદી દ્વારા જેલમાં આત્મહત્યા કરી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર જેલ સંકુલમાં ખાસ કરીને જેલના અન્ય કેદીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કેદીની આત્મહત્યાને લઇ અનેક અટકળો અને તર્ક-વિતર્ક વહેતા થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી હતી કે, મરનાર કાચા કામનો કેદી હમીર દેસાઇ બોપલના દુષ્કર્મ કેસનો આરોપી હતો અને તેની વિરૃધ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયેલો હતો. જે કેસમાં તે સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યો હતો. પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કાચા કામના કેદીના જેલના બાથરૃમમાં જ લેંઘા વડે આત્મહત્યાના કારણે જેલ સત્તાવાળાઓની ફરજ અને સજાગતાને લઇ કેદી આલમમાં સવાલો ઉઠયા હતા. બીજીબાજુ, જેલ સત્તાવાળાઓ તરફથી કેદીના પરિવારજનોને ઘટનાના જાણ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. જો કે, સમગ્ર બનાવ અંગે સાબરમતી પોલીસે આગળની તપાસ જારી રાખી છે.

(8:14 pm IST)