Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

વડોદરામાં શંકાસ્‍પદ કોરોના દર્દીનું ત્રણ કલાકમાં મોત : સેમ્‍પલ ટેસ્‍ટિંગ માટે મોકલાયા

૫૫ વર્ષીય પ્રોઢે રસીના બંને ડોઝ લીધેલ

વડોદરા તા. ૧૭ : સયાજી હોસ્‍પિટલમાં શંકાસ્‍પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજયા બાદ હોસ્‍પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્‍ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્‍પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા ૫૫ વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજયું છે.  પ્રોઢને કોરોના હતો કે ફલુ હતો તે અંગે નિદાન થઈ શક્‍યું નથી. હાલ મૃતકના સેમ્‍પલોને ટેસ્‍ટિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્‍યા છે.

મળતી માહિતી અનુસાર, શહેરના ગાજરાવાડી વિસ્‍તારમાં રહેતા ૫૫ વર્ષીય પ્રોઢને ગુરુવારે બપોરે શ્વાસ લેવામાં તકલીફ થતાં શહેરની એસએસજી હોસ્‍પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જે બાદ તબીબો દ્વારા તપાસવામાં આવતા દર્દીને ફેફસામાં વધારે પડતું ઇન્‍ફેક્‍શન થયું હોવાનું સામે આવ્‍યું હતું. જેથી તેઓને આઇસોલેશન વોર્ડમાં વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યા હતા. દર્દીનો રેપિડ ટેસ્‍ટ નેગેટિવ આવ્‍યો હતો.

જોકે, હોસ્‍પિટલમા દાખલ કરાયાના ત્રણ કલાકમાં જ તેઓનું મૃત્‍યુ થયું હતું. જેથી  હોસ્‍પિટલ સત્તાધીશો દ્વારા તેમના સેમ્‍પલ એકત્ર કરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્‍યા હતા. પ્રોઢને ફેફશામાં ઇન્‍ફેક્‍શન કોરોનાને લીધે હતું કે સ્‍વાઈન ફલૂને લીધે હતું તે રિપોર્ટ આવ્‍યા બાદ નક્કી થઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ વડોદરાના ૫૮ વર્ષીય મહિલાનું H3N2ના કારણે મોત નીપજયું હતું. મહિલા હાઈપર ટેન્‍શનના દર્દી હતા અને ઘણા દિવસથી વેન્‍ટિલેટર પર હતા. સયાજી હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.

 

(4:38 pm IST)