Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

તિલકવાડાના વ્યાધર ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી

આંગણવાડીના ભૂલકાઓના ભવિષ્ય અંગે જિલ્લા કલેકટરે ઊંડો રસ દાખવ્યો : નાસ્તો-પોષણ-બેઠક વ્યવસ્થા અંગે સ્થળ પર જઈને સૂચના આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વ્યાધર ગામને રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. ગ્રામીણ ક્ષેત્રમાં રોડ-રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, આંગણવાડી, શાળા જેવી પ્રાથમિક-ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે ગામને દત્તક લેવામાં આવે છે. જેથી ગ્રામીણ લોકો માટે સુખ-સુવિધા વધે, માનવ સૂચકાંક ઊંચો લઈ જવા માટે આ કવાયત હાથ ધરવામાં આવે છે. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓનો ઉપયોગ કરીને તથા ખૂટતી કડી તરીકે ફંડ ફાળવીને ગ્રામ વિકાસને એક પ્રગતિના પથ પર લઈ જવા માટે ગામને દત્તક લેવામાં આવે છે.
 જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ વ્યાધર ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. વ્યાધર ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા-તાલુકાના આમલીકરણ અધિકારીઓ તથા ફિલ્ડના કર્મચારીઓ સાથે બેઠક યોજીને આદર્શ ગામ અંગે ખૂટતી કડીઓ ઉમેરવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા તથા આંગણવાડીના જૂના મકાન તોડીને આ મકાનના સ્થળે નવા મકાન તૈયાર કરવાની દરખાસ્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કમ્યુનિટી હોલ, પ્રોટેકશન વોલ, પીવાના પાણી અંગેની માઇક્રો ઇન્ફોર્મેશન મેળવી હતી. એક આદર્શ ગામમાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા ઉપર કલેક્ટરે ખાસ ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટરે આંગણવાડીના બાળકો-ભૂલકાંઓના ભવિષ્યની ચિંતા કરીને બાળકોને પૌષ્ટિક આહાર, રમવા-બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવી બાળકોને નાસ્તો અને ધાત્રી માતાઓને ટિફિન સેવા પહોંચાડીને પોષણયુક્ત આહાર ખવડાવવા ઉપર ભાર મૂક્યો હતો.
 આ આદર્શ ગામની મુલાકાત દરમિયાન અમૃત સરોવરની પણ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝાડી ઝાંખરા કટીંગ તથા તળાવ ઊંડું કરવાની કામગીરી સાથે બ્યુટીફિકેશન કરવા અને ધ્વજ પોલને રંગ કરવા જેવી બાબતો અંગે સ્થાનિક અધિકારીઓને સૂચના આપી હતી. આગામી સમયમાં મંત્રી આ ગામની મુલાકાત કરે ત્યારે ગામની તમામ વિગતો અપડેટ રાખવા તલાટી કમ મંત્રી, સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીને માર્ગદર્શન પુરૂં પાડી જરૂરી સૂચનાઓ આપી હતી.

(10:32 pm IST)