Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

બાયડ- દેહગામ રોડ પર ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કારમાં આગ ભભુકતા યુવક સળગીને ભડથું

બાયડના તેનપુર ગામે રહેતા કિશન પટેલનું જન્મદિવસના એક દિવસ પહેલા મોત

બાયડ- દેહગામ રોડ પર કાર અકસ્માત સર્જાયો હતો  દેહગામના  સોલંકીપુરા પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં કાર ચાલક અને બાયડના તેનપુરનો આશાસ્પદ યુવક સળગીને ભડથું થઈ ગયો હતો. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

અરવલ્લીના બાયડ તાલુકાના તેનપુર ગામનો રહેવાસી કિશન રાજેશભાઈ પટેલ તેની સ્વીફ્ટ કારમાં તેના મિત્રને મળવા જઇ રહ્યો હતો. તે દરમિયાન દહેગામના સોલંકીપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટકરાતા કિશનની કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.

અકસ્માત બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે, અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ કારના દરવાજા લોક થઈ જતાં કારનો દરવાજો ખુલી શક્યો ન હતો.

જો કે, ગણતરીની મિનિટોમાં જ આગે (Fire) રુદ્ર સ્વરૂપ ધારણ કરતા તેમાં કિશન જીવતો ભુજાઈ ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી પરંતુ તેઓ પહોંચે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ સાથે દહેગામ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી

 અત્રે ઉલ્લેખનીય છે કે, કિશન રાજેશભાઈ પટેલનો આવતીકાલે એટલે કે, 18 માર્ચ 2021 ના રોજ જન્મદિવસ હતો. પરંતુ, કિશન તેનો જન્મ દિવસ ઉજવે તે પહેલા જ તેને કાળ ભરખી ગયો.

(10:24 pm IST)