Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

માંડ માંડ ગાડી પાટે ચડી ત્યાં ફરી રાત્રી કર્ફયુ : માત્ર ૧ કલાક વધારી આપો : હોટલ - રેસ્ટોરન્ટ માલિકોની માંગણી

૯૦ ટકા લોકો સાંજે ૯ વાગ્યા પછી જ જમવા આવે છે : રેસ્ટોરન્ટ માલિકો અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ સરકાર માત્ર ૧ કલાક વધારી આપે : માલિકો

અમદાવાદ તા. ૧૭ : કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગ-ધંધા-રોજગાર ધીમે ધીમે બેઠા થઈ રહ્યાં છે. પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ બેઠા થાય તેના પહેલા ફરી એક વખત રાત્રે ૧૦ વાગ્યે કફર્યુ લગાવવાના કારણે તેઓને ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લાગુ પાડેલા રાત્રી કફર્યુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ગેટ ટુ ગેધર, નાના મોટા પ્રસંગે અપાતી પાર્ટી, લગ્ન સમારંભ વગેરે ના થતા હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રની હાલત કફોડી છે.

એક સમય હતો કે લાગવા લાગ્યુ હતુ કે હવે કોરોના ગુજરાતમાંથી ધીમે રહીને વિદાય લઈ રહ્યો છે અને તેવામાંજ સરકારે કડક રહેવાના બદલે ચુંટણીયોજી રેલીઓ કરી, સભાઓ કરી, મેળાવડા કર્યા અને કોરોનાને ફરી આમંત્રણ આપ્યું. એટલુ જ નહીં બાકી રહી જતુ હતુ એટલે સ્ટેડીયમમાં મેચ યોજી સ્ટેડીયમ ફુલ ભર્યુ જેથી છેલ્લા અઠવાડીયામાં ખુબ મોટા પ્રમાણમાં કોરોનાના કેસોમાં વધારો થયો અને તેના કારણે રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યોનો કફર્યુ લાગાડ્યો અને કફર્યુના લીધે માંડ માંડ ચાલુ થયેલી રેસ્ટોરન્ટ ફરી એક વખત કફોડી હાલતમાં ધકેલાઈ ગઈ.વીટીવીએ અમદાવાદની કેટલીક જાણીતી રેસ્ટોરેન્ટની મુલાકાત લીધી ત્યારે રેસ્ટોરેન્ટના માલીકોએ દર્દભરી તેમની કહાની કહી. તેઓનું કહેવુ છે કે રેસ્ટોરેન્ટમાં અમદાવાદીઓ સાંજે ૯ વાગ્યા પછી જ જમવા આવતા હોય છે પરંતુ સરકારે ૧૦ વાગ્યે કફર્યુ લગાવ્યો છે, જેથી કરીને અમે ૯ લાગ્યા પછી કસ્ટમરને નથી લેતા અને જેના લીધે સાંજના સમયે આવનાર વર્ગ ૯૦ ટકા ઘટી ગયો છે. અમદાવાદમાં મોટા ભાગે લોકો સાંજે ૯ વાગ્યા પછી જ રેસ્ટોરેન્ટમાં જમવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ ૧૦ વાગ્યા કફર્યુના લીધે લોકો હવે સાંજના સમયે બહાર જમવાનું ટાળી રહ્યા છે અને જેના લીધે રેસ્ટોરેન્ટ માલિકોની હાલત કફોડી બની છે.

લોકોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવાય એ વ્યાજબી છે પરંતુ સરકાર જયારે રેલીઓ, સભાઓ અને નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં જે મેચ યોજાઈ તેમાં ભરાયેલી જનમેદાનીને નજર અંદાજ કરી અને કોરોનાનો રાફડો ફાટ્યા બાદ અચાનક રાત્રી કફર્યુ લાવ્યા. જેથી કરીને અમદાવાદની મોટા ભાગની રેસ્ટોરન્ટ સાંજના સમયે બંધ હાલતમાં હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે.

 કોરોનાના શરુઆતથી સતત રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ છેલ્લા થોડાક સમયથી માંડ માંડ ગાડી પાટે ચડી અને ફરી એકવાર સરકારના આ નિર્ણયથી રેસ્ટોરેન્ટ માલીકોમાં નિરાશા જોવા મળી રહી છે.

રેસ્ટોરન્ટ સિવાય પણ અનેક એવા વ્યવસાય છે જે માત્ર રાત્રે જ ચાલતા હોય છે તેઓને પણ રાત્રીના કફર્યુના લીધે હવે નુકશાન જશે. વીટીવીના પ્રતિનિધિએ અમદાવાદના અલગ અલગ વિસ્તારની રેસ્ટોરેન્ટની વિઝિટ કરી તેમામ રેસ્ટોરન્ટ માલીકોનું કહેવુ છે કે અમે સરકારની તમામ એસઓપીનું પાલન કરવા તૈયાર છીએ પરંતુ સરકાર માત્ર એક કલાક જો વધારી આપે તો અમારો પડી ભાગેલો ધંધો ફરી ઉભો થઈ શકે.

(11:39 am IST)