Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

નાણામંત્રીનો મોટો દાવો:નીતિનભાઈએ કહ્યું -ભાજપના શાસનકાળમાં રાજયનું દેવું આશરે 6 ટકા જેટલું ઘટ્યું

રાજ્યમાં નાગરિકોની માથાદીઠ આવક 2,16,329 થઇ, કોંગ્રેસમાં માત્ર 362 રૂપિયા હતી: દેવાની ટકાવારી કુલ માથાદીઠ આવકની સરખામણી કરી વિપક્ષને આપ્યો જવાબ

ગાંધીનગર: 14મી વિધાનસભાના આઠમા સત્રના આજના દિવસે થયેલી અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે આ ચર્ચા ઉપરનો જવાબ પાઠવતાં રાજયના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે વિધાનસભા ગુહમાં સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, મારા દ્વારા રજૂ કરાયેલું 2,27,029 કરોડનું વર્ષ 2021-22ના વર્ષનું રાજયનું સામાન્ય બજેટ રાજયની જનતાના સર્વાગીણ વિકાસને પોષતું બજેટ છે. ગુજરાતના ઇતિહાસમાં કયારેય રજૂ ન થયું હોય તેવું સૌથી મોટા કદનું આ બજેટ, ગત નાણાંકીય વર્ષ 2020-21 કરતાં 9742 કરોડ જેટલું વધુ છે.

તેમણે કહ્યું કે, એક સમય એવો હતો જયારે ગુજરાતના ખેતીવાડી ઉત્પન્ન બજારોમાં કાગડાં ઉડતા હતા. આજે અમારી સરકારે ખેડૂતોને નર્મદા અને સૌની યોજના, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા અઢળક સિંચાઇ, સસ્તા દરે વીજળી, શૂન્ય ટકાના દરે લોન મારફતે જે ખેડૂત ઉત્થાનના પ્રયાસો કર્યા છે. તેનાથી આજે રાજયના ખેતીવાડી ઉત્પન્ન બજારો ઘઉં, રાયડો, એરંડા, કપાસ, મગફળી, ચણાં, ડાંગર અને અન્ય તેલીબિયાંના પાકોથી ઊભરાઇ રહ્યાં છે. અગાઉ મધ્ય-દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાંક હિસ્સાંમાં કેળાં-કેરી, મોસંબી અને અન્ય કેટલાક ફળફળાદીના પાકો થતાં હતા. આજે સિંચાઇ અને અન્ય આનુષાંગિક ઉપલબ્ધતાને લીધે ગુજરાતનો ખેડૂત તમામ પ્રકારના ફળફળાદિ પાકોનું માત્ર ઉત્પાદન કરતો નથી પરંતુ તેની નિકાસ કરે છે.

વિપક્ષી નેતાઓ દ્વારા ગુજરાતના વધી રહેલાં દેવા સંદર્ભે સણસણતો પ્રત્યુત્તર પાઠવતાં નીતિન પટેલે જણાવ્યું કે, દુનિયાનો ભાગ્યે જ કોઇ દેશ એવો હશે જેને કયારેય-કોઇક પાસેથી એક યા બીજી રીતે દેવું લીધું કે કર્યું ન હોય, દેવું એ એક પરંપરા છે. આપણે પણ વર્ષોથી લોન મારફત દેવું લઇએ છીએ. ભાજપ શાસિત સરકારો ઉપર દેવું વધ્યાનો આક્ષેપ નકારી કાઢતાં પટેલે આંકડાઓ સાથે જણાવ્યું હતું કે, વર્ષ 1987-88માં રાજયના નાગરિકોની માથાદીઠ આવકની સરખામણીમાં રાજયનું દેવું રૂપિયા 3,679 કરોડ, 1988-89માં રૂ. 4,161 કરોડ, વર્ષ 1990-91માં રૂ. 4,194 કરોડ, 1991-92માં રૂ. 5,900 કરોડ હતું. જયારે વર્ષ 1992-93માં રૂ. 6,920 કરોડનું દેવું હતું.

 

તે દેવાની ટકાવારી કુલ માથાદીઠ આવકની સરખામણીએ જોવા જઇએ તો 22.59 ટકા જેટલું થવા જાય છે. કોંગ્રેસ શાસિત આ સરકારોની સાપેક્ષમાં જયારથી ભાજપનું રાજયમાં શાસન આવ્યું ત્યારથી જોઇએ તો આજદિન સુધીમાં વર્ષ 2019-20માં અમારી સરકારનું દેવું ઉત્તરોત્તર ઘટીને 16.19 ટકા જેટલું થવા જાય છે. જે દર્શાવે છે કે અમારા શાસનકાળમાં રાજયનું દેવું ઘટી રહ્યું છે. વર્ષ 1995-96માં અમારા પ્રથમ બજેટનું કદ 10.78 કરોડનું હતું. જે આ વર્ષે 2021-22માં રૂ. 2,27,029 કરોડનું થયું છે.

યાદ રહે કે 1960-61માં ગુજરાત રાજયની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્કેટ (જીએસડીપી) થી આવક રૂ. 738 કરોડની હતી. અને માથાદીઠ આવક માત્ર 362 રૂપિયા હતી. જે વર્ષ 2019-20માં જીએસડીપીથી 16,49,505 કરોડ થઇ છે. અને માથાદીઠ આવક 2,16,329 ઉપર પહોંચી છે જે રાજયના વિકાસની દ્યોતક છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ અમારી આ સંવેદનશીલ સરકારે દેવું નહીં પરંતુ લોકકલ્યાણના કાર્યો ચોક્કસ વિઝન કેળવીને કર્યા છે, તેનો કોંગ્રેસે સ્વીકાર કરવો જ રહ્યો. તેમણે એમ પણ જણાવ્યું કે, ઘાસની ગંજીમાંથી સોઇ શોધવી પડે તે ન્યાયે હવે રાજયનો ભાગ્યે જ કોઇ ખૂણો રહ્યો હશે જ

આ અંદાજપત્ર સત્રમાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં આશરે 85 જેટલાં ધારાસભ્યોએ ભાગ લઇને તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, વિપક્ષી અને શાસક પક્ષના ધારાસભ્યોએ કરેલાં કિંમતી સૂચનોને મેં તથા અમારા અધિકારીગણે ગંભીરતાથી નોંધ્યા છે અને તદ્દનુસાર વ્યાજબી માંગણીઓ સંતોષવાનો સરકાર ચોક્કસ પ્રયાસ કરશે.

(12:26 am IST)