Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

નર્મદા પ્રોજેક્ટ : અંતે ૧૧૩૧ કરોડની વધારાની ગ્રાન્ટ મંજુર

નર્મદા પ્રોજેક્ટ ૨૦૧૯ પરિપૂર્ણ કરવા તૈયારીઃ નર્મદા પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવા કેન્દ્ર સરકાર તમામ રીતે સહાયતા કરી રહી છે : નિતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ

અમદાવાદ : ભારત સરકારે ગુજરાતના સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટ માટે ૧૧૩૧ કરોડની વધારાની ગ્રાન્ટને આજે લીલીઝંડી આપી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું છે કે, એઆઈબીપી અને સીએડીડબ્લયુએમ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ૯૭૦ કરોડની ગ્રાન્ટ આપી છે. આ વર્ષે ૧૬મી માર્ચના દિવસે કેન્દ્ર સરકારે નર્મદા પ્રોજેક્ટ માટે વધારાની ૧૧૩૧ કરોડના ગ્રાન્ટ ફાળવી દીધી છે. નિતિન પટેલે કહ્યું છે કે, નર્મદા પ્રોજેક્ટ ૨૦૧૯માં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર તમામ રીતે નર્મદા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ગુજરાતને મદદ કરવા માટે કટિબદ્ધ છે.

નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધારાની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારે નર્મદા યોજનામાટે રૂ.1131 કરોડની વધારાની સહાય મંજૂર કરી છે જેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. સહાયની મંજૂરીને લઈને નીતિન પટેલે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

નીતિન પટેલે જણાવ્યુ હતું કે, વધારાની સહાયથી નર્મદા યોજનાની કામગીરી વધુ ઝડપી બનશે. પીવાના પાણી માટેની આ યોજના વર્ષ-2019માં પૂર્ણ થશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાંછેલ્લા કેટલાક દિવસથી નર્મદાનાપાણીને લઇને રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. ખેડૂતો દ્વારા નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવાનું બંધ કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. રાજ્યની વિધાનસભામાં વિપક્ષ તરફથી નર્મદાના પાણીને લઇને વારંવાર સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.

રાજ્યમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં પણ નર્મદાના જળને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આમ કેન્દ્ર સરકાર દ્વારા નર્મદા યોજના માટે રૂ. 1131 કરોડની વધારાની સહાય મંજૂર કરવામાં આવી છે. આ જાહેરાત બાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે મંજૂરીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

(11:48 pm IST)