Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કેન્દ્રના મંત્રીઓ, બ્યુરોક્રેટ્સનું વર્તન ખુબ અપમાનજનક રહ્યું

રાજ્ય અને કેન્દ્ર સમક્ષ વારંવાર રજુઆત થઈઃ પ્રજા સાથે જોડાયેલા પ્રશ્નો સાંભળવા પ્રધાન તૈયાર નથી

અમદાવાદ,તા. ૧૭:  ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસીએશન(એનમા)ના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ અને સેક્રેટરી જયંતભાઇ જૈને ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, એલ્યુમિનિયમ સ્ક્રેપ ઇન્ડસ્ટ્રીઝની વેદના અને દર્દ વિશે એસોસીએશન તરફથી વારંવાર રાજય સરકારથી લઇ કેન્દ્ર સરકારના સત્તાવાળાઓ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. એટલે સુધી કે, ખુદ કેન્દ્રના નાણાં સચિવ હસમુખ અઢિયાથી લઇ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બહુ આઘાતજનક અને ચોંકાવનારી વાત એ છે કે, તેઓની પાસે અમારી વેદના સાંભળવાનો સમય જ ન હતો. એટલે સુધી કે, વડાપ્રધાન જે રિસાઇકલીંગના કન્સેપ્ટને ચરિતાર્થ કરવા મસમોટી જાહેરાતો કરે છે તેમના જ પ્રધાનો અને બ્યુરોક્રેટ્સને એલ્યુમિનિયમ સ્ક્રેપ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝના ઇશ્યુની જ ખબર ન હતી અને તેઓ સાંભળવા પણ માંગતા ન હતા. કેન્દ્રના મંત્રીઓ અને બ્યુરોક્રેટ્સના વર્તન અને વ્યવહાર બેહૂદા અને અપમાનજનક હતા. આ દેશની બહુ ગંભીર અને ખરાબ વાત કહી શકાય કે પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રધાનો લોકો સાથે સીધી રીતે જોડાયેલા પ્રશ્નો જ સાંભળવા તૈયાર નથી.

જો એલ્યુમિનિયમ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝની માંગણીઓ હકારાત્મક અભિગમ અપનાવી તાકીદે નહી ઉકેલાય તો આવનારા દિવસોમાં આ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો-ટ્રેડર્સ લોકોની વચ્ચે રસ્તા પર આવતા અચકાશે નહી એવી ચીમકી પણ એસો.ના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ અને પૂર્વ પ્રમુખ ડો.કિશોર રાજપુરોહિતે આપી હતી.

(10:02 pm IST)