Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

એલ્યુમિનિયમ રિસાઇકલીંગ ઈન્ડ્રસ્ટ્રીઝ હાલમાં ખતરામાં

મંત્રીઓ કે બ્યુરોક્રેટ્સ ટ્રેડર્સની વાત સાંભળતા નથીઃ કસ્ટમના અધિકારી દ્વારા આડેધડ અને મનસ્વી મૂલ્યાંકન એલ્યુમિનિયમના સ્ક્રેપની આકારણી વેલ્યુ પર કરવા માંગ

અમદાવાદ,તા. ૧૭:      એકબાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા અને રિસાઇકલના આર ને સિક્સ આરની થિયરીમાં ચરિતાર્થ કરવાની મસમોટી જાહેરાતો કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ ખુદ કેન્દ્ર સરકારના મંત્રીઓ અને બ્યુરોક્રેટ્સની ઘોર ઉપેક્ષા અને ગંભીર અનદેખી કરવાને પગલે આજે દેશનો એલ્યુમિનિયમ રિસાઇકલીંગ ઉદ્યોગ ગંભીર ખતરામાં આવી ગયો છે. એલ્યુમિનિયમ સ્ક્રેપની કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા આડેધડ અને મનસ્વી આકારણી અને જીએસટીના બમણા મારથી એલ્યુમિનિયમ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝની કમર તૂટી ગઇ છે અને હવે બંધ થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જો હજુપણ કેન્દ્ર સરકાર સમયસર નહી જાગે અને હકારાત્મક અભિગમ અપનાવી તાત્કાલિક નિર્ણય નહી લે તો એલ્યુમિનિયમ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝ ખતમ થવાની સાથે સાથે કેન્દ્રને કરોડો રૂપિયાનો રેવન્યુ લોસ, લાખો લોકોની બેરોજગારી, વૈશ્વિક સ્તર પર દેશની છબી ખરડાવી અને બેંકોની એનપીએમાં નોંધનીય વધારો સહિતના અનેક પ્રશ્નો સર્જાશે એમ અત્રે ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસીએશન(એનમા)ના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ અને સેક્રેટરી જયંતભાઇ જૈને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં એલ્યુમિનિયમના રિસાઇકલીંગ સાથે અંદાજે પાંચ હજારથી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો અને અતિ નાના ઉદ્યોગો સંકળાયેલા છે. એલ્યુમિનિયમનો ભંગાર રિસાઇકલીંગ ઉદ્યોગ માટેનો મુખ્ય કાચો માલ છે. અત્યારે મોટાભાગનો સ્ક્રેપનો માલ આયાત જ કરવો પડે છે કારણ કે, ભરતમાં એકસમાન અને સારી ગુણવત્તાનો એલ્યુમિનિયમનો સ્ક્રેપ-ભંગાર મળતો નથી. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે, ભારતમાં આયાત કરવામાં આવતા એલ્યુમિનિયમ સ્ક્રેપની આકારણી ટ્રાન્ઝેકશન વેલ્યુના આધારે કરવાના બદલે કસ્ટમ્સના અધિકારીઓ તેમની રીતે મનફાવે એ રીતે અને ડાયરેકટોરેટ ઓફ જનરલ ઓફ વેલ્યુએશન(ડીજીઓવી)ના વર્ષો જૂના જારી એક સરકયુલરના આધારે બહુ ઉંચી આકારણી કરવામાં આવે છે. જેના કારણે એલ્યુમિનિયમ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો-ટ્રેડર્સ ઉંચી કસ્ટમ્સ ડયુટી અને ૧૮ ટકા જીએસટીના બેવડા મારથી ત્રસ્ત થઇ પડી ભાંગ્યા છે. છેલ્લા છ મહિનામાં જ એલ્યુમિનિયમ સ્ક્રેપમાં મેટ્રીક ટન દીઠ તેની આકારણી ૨૦થી ૪૦ ટકા એટલે કે, મેટ્રીક ટન દીઠ અંદાજે ૩૦૦થી ૭૦૦ અમેરિકી ડોલર આંકવામાં આવતાં ઉદ્યોગો પર અસહ્ય અને કમરતોડ બોજો પડયો છે કારણ કે, આયાત કરેલા એલ્યુમિનિયમ સ્ક્રેપમાંથી તૈયાર કરાતી પ્રોડકટ્સમાં થતી મૂલ્યવૃધ્ધિ બહુ જ ઓછી એટલે કે, માત્ર ૧૦થી ૧૨ ટકાની છે. વળી, આયાતકારોએ લેવાની થતી જીએસટી રિફંડ અને ક્રેડિટની રકમ કેન્દ્ર સરકારની તિજોરીમાં જ પડી રહી છે. હાલની સ્થિતિએ આયાતકારોની પાંચ હજાર કરોડ જેટલી ક્રેડિટની રકમ કેન્દ્ર સરકારી તિજોરીમાં એમ ને એમ પડી રહી છે. આયાતકારોને લેવાના નીકળતા આ પૈસા પાછા નહી મળવાના કારણે એલ્યુમિનિયમ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝ કે તેનો વિકાસ કેવી રીતે શકય બને? એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ અને સેક્રેટરી જયંતભાઇ જૈને વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ આયાતકારોએ તેમના બિઝનેસ-ધંધા માટે બેંકોમાંથી લીધેલી લોનો પર ઉંચુ વ્યાજ ચૂકવવુ પડી રહ્યું છે અને બીજીબાજુ, તેમના હજારો કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં વ્યાજ વિના એમના એમ પડી રહ્યા છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કસ્ટમ ડયુટીની મનસ્વી અને ઉંચી આકારણી કરવાને પગલે આયાતકારોએ બેંકો પાસેથી લીધેલું સંપૂર્ણ ભંડોળ જીએસટીમાં જમા થઇ જશે અને પરિણામે આવનારા દિવસોમાં બેંકોની એનપીએ-નોન પરફોર્મીંગ એસેટ્સમાં નોંધપાત્ર વધારો થશે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે એલ્યુમિનિયમ સ્ક્રેપ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝના સંવેદનશીલ મામલાને અગ્રીમતાના ધોરણે હાથ પર લઇ હકારાત્મક અભિગમ અપનાવી ૧૮ ટકા જીએસટીમાં તાત્કાલિક અસરથી ઘટાડો કરવો જોઇએ અને એલ્યુમિનિયમ સ્ક્રેપની આકારણી ડીજીઓવીના નિર્દેશ અનુસાર કરવાને બદલે કસ્ટમ્સ એકટ-૧૯૬૨ની કલમ-૧૪માં સૂચિત જોગવાઇ મુજબ, ટ્રાન્ઝેકશન વેલ્યુ મુજબ જ કરવા તેમણે ઉગ્ર માંગણી કરી હતી.

(10:01 pm IST)