Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૩૭થી ઉપર પહોંચ્યો

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી રહ્યું: વધતા જતા તાપમાનના કારણે સામાન્ય લોકોને હાલમાં વધુ સાવચેતી રાખવાની જરૂર : અમરેલીમાં પારો ૩૭.૫

અમદાવાદ,તા. ૧૭: અમદાવાદ શહેરની સાથે રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને પારો દિન પ્રતિદિન ઉપર જઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૮ અને લઘુત્તમ તાપમાન ૨૦.૨ સુધી પહોંચ્યું હતું. આવતીકાલે અમદાવાદમાં પારો ૩૭ની આસપાસ રહી શકે છે. હાલમાં બે ત્રણ દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. આજે વડોદરામાં પારો ૩૬.૬ સુધી પહોંચ્યો હતો જ્યારે નલિયામાં ૩૨.૬, ભુજમાં ૩૬.૬, અમરેલીમાં ૩૭.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી બાજુ મહત્તમ તાપમાનમાં અમદાવાદમાં પણ વધારો થઇ રહ્યો છે. ગાંધીનગરમાં આજે પારો લઘુત્તમ તાપમાનમાં ૧૯.૨ ડિગ્રી રહ્યું હતું. ગરમીની શરૂઆત થઈ ચુકી છે. લોકો વધતા જાતા તાપમાન કારણે પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. એકબાજુ પાણીની તકલીફ પહેલાથી જ અનુભવાઈ રહી છે ત્યારે આ વખતે ગરમી વધુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં આવતીકાલે રવિવારના દિવસે ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે અને પારો ૩૭ સુધી રહી શકે છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. હાલમાં નિચલી સપાટી પર ઉત્તર-પશ્વિમી પવનો ફુકાઈ રહ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તીવ્ર ગરમીનો અનુભવ થવાની શક્યતા જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે. બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. જાણકાર લોકોનું કહેવુ છે કે અગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. સાથે સાથે મહત્તમ તાપમાન વધુ ઉપર જ શકે છે. વધતી જતી ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. સાવચેતી પણ રાખવી જરૂરી છે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૩૬.૪

ડિસા............................................................. ૩૭.૨

ગાંધીનગર........................................................... -

વીવીનગર........................................................ ૩૭

વડોદરા........................................................ ૩૬.૭

સુરત............................................................ ૩૭.૧

વલસાડ........................................................ ૩૫.૪

અમરેલી....................................................... ૩૭.૫

ભાવનગર..................................................... ૩૬.૬

પોરબંદર...................................................... ૩૪.૨

રાજકોટ........................................................ ૩૬.૬

સુરેન્દ્રનગર................................................... ૩૭.૭

ભુજ.............................................................. ૩૬.૬

નલિયા......................................................... ૩૨.૬

કંડલા એરપોર્ટ................................................. ૩૭

(8:29 pm IST)