Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પેટલાદના રંગાઈપુરામાં ચેક બાઉન્સના કેસમાં કોર્ટે મહિલાને 6 માસની કેદની સજા ફટકારી

આણંદ: ખાતે રહેતા અસલમભાઈ જુસબભાઈ મેમણ ભારત ફાયનાન્સથી ધંધો કરે છે. પેટલાદ તાલુકાના રંગાઈપુરાના રહેવાસી દક્ષાબેન શૈલેષભાઈ ક્રિશ્ચિયનનાઓ કે જેઓ અવારનવાર જુસબભાઈને ત્યાંથી ફાયનાન્સથી નાણા લેતા હતા. તેઓએ પોતાના પતિ માટે રીક્ષા લેવા માટે ૭૦ હજાર લીધેલા અને જે નાણાં સમયસર ના ચૂકવતા જુસબભાઈએ ઉઘરાણી કરેલી. જેથી આ કામનાં આરોપીએ ફરિયાદીને રૂા. ૭૦,૦૦૦/- (અંકે સિત્તેર હજાર) પુરાનો ચેક આપેલો. જે ચેક ફરિયાદીએ પોતાનાં બેંક ખાતામાં ભરતા અપ્રાપ્ય બેલેન્સનાં કારણે પરત થયો હતો. જે અંગે કાનૂની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આણંદની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો.
જે કેસ આણંદનાં પાંચમા એડી.સીની. સિવિલ જજ અને એડી. ચીફ જ્યુ. મેજી ડી.ડી. શાહ સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષનાં વકીલ રાજેશ ચંદાણીની દલીલો તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને દક્ષાબેનને છ માસની સાદી કેદની સજા અને રૂા. ૭૦,૦૦૦/- વાર્ષિક ૯ ટકાનાં સાદા વ્યાજનાં દરે ચેક રીર્ટન થયા તારીખ એટલે કે, તા. ૧૭-૬-૧૭ થી રકમ ચૂકવી આપવા તેમજ રૂા. ૫૦૦૦ આ કેસનાં ખર્ચ પેટેની વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો આરોપી વળતરની રકમ ચૂકવવા કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાના હુકમ કર્યો હતો. ચુકાદા વખતે આરોપી દક્ષાબેન કોર્ટમાં હાજર ના હોય નામદાર અદાલતે સીઆરપીસીની કલમ ૪૧૮(૨) અન્વયે આરોપી વિરુદ્ઘ સજાના હુકમની અમલવારી માટે બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો હતો.

(6:30 pm IST)