Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુકાની વગરની સેના (આઈપીએસ એસો.)ને અંતે સેનાપતિ મળ્યાઃ એ.કે. સિંઘ અને નરસિમ્હા કોમાર જેવા તટસ્થ અફસરોને સુકાન

રક્ષાશકિત યુનિ.ના વડા વિકાસ સહાયની ઉપપ્રમુખ પદે પસંદગીઃ ફકત આઈપીએસ અધિકારીઓ જ નહિં, નાના પોલીસમેન જેવા સ્ટાફના પ્રશ્ને પણ અંગત રસ દાખવાશેઃ ગુજરાત આઈપીએસ બઢતીમાં દેશના અન્ય રાજ્યો કરતા પાછળ હોવાની વાસ્તવિક સ્થિતિનું એસોસીએશન મુખ્યમંત્રી-ગૃહમંત્રી સમક્ષ ચિત્ર રજુ કરશે

રાજકોટ, તા. ૧૭ :. ગુજરાતના સિવીલ ડીફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડની જગ્યા પરથી એચ.પી. સિંઘ નિવૃત થયા બાદ લાંબા સમયથી સુકાની વગરની સેના માફક કાર્યરત આઈપીએસ એસોસીએશને અંતે લાંબા સમયે પોતાના સેનાપતિ સાંપડયા છે. લાંબા સમયથી ખાલી પ્રમુખ પદની જગ્યા પર રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને કોઈ જાતના પોસ્ટીંગના મોહ વગર તટસ્થતાથી ફરજ બજાવતા અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘની પસંદગી કરવામાં આવી છે.

 

યોગાનુયોગ એસોસીએશનના જનરલ સેક્રેટરી તરીકે રાજ્ય પોલીસ તંત્રના પ્લાનીંગ અને આધુનિકરણ વિભાગના આઈ.જી. કક્ષાના વડા અને એ.કે. સિંઘ જેવા જ ગુણો ધરાવતા નરસિમ્હા કોમારની પસંદગી થતા જ હવે આઈપીએસ એસોસીએશનના સભ્યોને પોતાના પ્રશ્નો અસરકારક રીતે રજૂ થશે તેવી આશા જાગી છે. એસોસીએશનના ઉપપ્રમુખ પદે રાજ્યની રક્ષાશકિત યુનિ.ના વડા અને અનુભવી સિનીયર આઈપીએસ વિકાસ સહાયની પસંદગી કરવામાં આવી છે. ગત બુધવારે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણયો સાથે રાજ્ય પોલીસ તંત્રના તાજેતરમાં નિવૃત થયેલા અધિકારીઓને નિવૃતિ વિદાયમાન પણ આપવામાં આવેલ. આ માટેનો વિશેષ સમારોહ આઈપીએસ મેસ ખાતે યોજાયો હતો.

નવનિયુકત હોદેદારોની પ્રથમ બેઠકમાં જ પ્રથમ વખત પોલીસ તંત્રના નાના હોદાના સ્ટાફની ચિંતા કરવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી વિના વાંકે ન અટકે અને તેઓના પ્રમોશન સમયસર થાય તે દિશામાં કાર્યરત રહેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમાચાર રાજ્ય પોલીસ તંત્રમાં પ્રવર્તતા હર્ષની લાગણી ફેલાવા પામી હતી.

અત્રે યાદ રહે કે, અન્ય રાજ્યની સરખામણીમાં તાજેતરમાં ડીજી કક્ષાના પ્રમોશન અપાયા તે અપવાદ બાદ કરતા અન્ય રાજ્યના પ્રમાણમાં ગુજરાતમાં બઢતીની પ્રક્રિયા બુલેટ ટ્રેનને બદલે જૂના સમયની ગાડીઓની ગતિ માફક ચાલે છે. જો કે આ બધા નિર્ણયોમાં વિલંબ પાછળ ઘણા રાજકીય કારણ પણ હોય છે. આ સમસ્યાના નિવારણ માટે આઈપીએસ એસોસીએશનના હોદેદારો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળી તેના નિકાલની દિશામાં યોગ્ય રજૂઆત કરશે. પોલીસ તંત્રમાં ડીવાયએસપી કક્ષાએ બઢતી આપવા માટેની ફાઈલ લાંબા સમયથી ગોટે ચઢી છે. આ બધા તારણ કાઢી ચુકેલા નવનિયુકત હોદેદારો આ બાબતે પણ ગૃહખાતા સમક્ષ રજુઆત કરી પોલીસ તંત્રમાં બઢતીના વિલંબના કારણે સર્જાતી માનસિક સ્થિતિ અને કામગીરી પર થતી અસરનું અસરકારક ચિત્ર રજુ કરશે.(૨-૧૩)

(2:45 pm IST)