Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મને કોઇ ગાળ આપે તો તેને છોડું નહિઃ હાર્દિક

લોકો જાણવા માગે છે કે અમારા ધારાસભ્યો તેમના વિસ્તારના પ્રશ્નો રજુ કરે છે કે નહિ...: અમારી લડાઇનો મુદ્દે વ્યવસ્થા પરિવર્તનનો છે, સત્તા પરિવર્તનનો હરગીઝ નહિ

ગાંધીનગર તા. ૧૭ :.. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે વિધાનસભાની ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોઇપણ ચૂંટાયેલ ધારાસભ્ય વિધાનસભામાં મા-બહેનની ગાળો સાંભળવા માટે જતો નથી. કોંગ્રેસના પ્રતાપભાઇની જગ્યાએ હું હોઉં તો આ રીતે ગાળો આપનારને ન છોડું. હાર્દિક પટેલ આ પ્રકારે નિવેદન દ્વારા કોંગ્રેસના ધારાસભ્યને સમર્થન આપતા વધુ એક વિવાદ તેના નામે અંકાય તો નવાઇ નહીં.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો અઠવાડીયાથી તેમને ભાજપના ધારાસભ્યો ગાળો તથા અભદ્ર શબ્દો બોલી ઉશ્કેરણી કરી રહ્યા હોવાની રજૂઆત કરી રહ્યા હતા અને હરેન પંડયાવાળી કરવાની તેમને ધમકીઓ પણ અપાઇ રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યની જેમ ખરેખર જો મને ગાળો આપવામાં આવે તો ૧૦૦ ટકા એને ન છોડું, એ પછી ગમે તે વિસ્તાર હોય.

બે દિવસથી મીડિયામાં આવે છે કે લોકશાહીનું ચિરહરણ કરવામાં આવ્યું. ગુજરાતના ઇતિહાસમાં આ પહેલીવાર નહીં પણ ત્રીજી કે ચોથી વાર બન્યું છે. આવી ઘટનાઓ વિધાનસભામાં ઘણીવાર બની છે. હવે બુમરાણ ચાલી રહી છે કે, લોકશાહી લોચામાં પડી ગઇ. લોકશાહી ખતરામાં આવી ગઇ. હવે જયારે ગુજરાતમાં કોઇને સભા કરવી હોય તો મંજૂરી લેવી પડે છે. લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે. દેશદ્રોહ-રાજદ્રોહના કેસો  કરવામાં આવે છે. કોઇને ઉઠાવીને જેલમાં બંધ કરી દેવામાં આવે છે. ત્યારે લોકશાહીની ચિંતા થતી નથી ? બે ધારાસભ્યો લડયા તો લોકશાહીની ચિંતા થવા લાગી ?

લોકો જાણવા માંગે છે અમારા ધારાસભ્યો વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરે છે કે નહીં ? લોકોને હાર્દિક પટેલ શું કરે છે એમાં જરાય રસ નથી. પણ સરકાર અને ધારાસભ્યો શું કરે છે એમાં રસ છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે અમારી લડાઇનો મુદો સત્તા પરિવર્તન નથી, વ્યવસ્થા પરિવર્તન છે. હું ગુજરાતની જનતાને આંદોલન કરો, હિંસા કરો એમ નથી કહેતો પરંતુ જાગૃત થવાનું કહી રહ્યો છું. સરકારની ખોટી નીતિ સામે નહીં બોલો તો સરકાર તમને વધુ હેરાન કરશે.

(11:53 am IST)