Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બેન્ક કૌભાન્ડ વચ્ચે ઇમાનદારીનું ઉદાહરણ :સુરતના ઉદ્યોગપતિ મનજીભાઈએ મિલ્કત વેચીને 500 કરોડનું બેંકનું દેવું ચૂકતે કર્યું

1200 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીમાં અમદાવાદ,સુરત અને મુંબઈની મિલ્કતો વેચવા આપી સૂચના

સુરત ;આજના સમયમાં બેન્ક કૌભાંડનું મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ દરરોજ સવાર પડતાંની સાથે જ એક કૌભાંડનાં સમાચાર સોની નજર સામે આવે છે નીરવ મોદી, મેહૂલ ચોક્સી કે પછી વિજય માલ્યા. આ તમામ કૌભાંડીઓ દેશમાં ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયાં છે.ત્યારે ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ સમી પ્રેરક વાત બહાર આવી છે  ઈમાનદારીની જ્યોત પ્રજ્વલિત રાખનારા સુરતનાં ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકિયાએ પોતાની મિલકતો વેચીને બેંકનું દેવું ચુકતે કર્યું છે.

   ભાવનગરથી નીકળેલા અને આજે સુરત, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવનાર મનજીભાઈ ધોળકીયા કે જેમની ઈમાનદારી અને પ્રામાણિકતા એ જ તેમની એક આગવી ઓળખ. મનજીભાઈ ધોળકિયાએ ભવાની જેમ્સ નામની કંપની શરૂ કરી હતી.જે નિયમિત રીતે બેંકમાંથી લોન લેતી હતી અને તેની ભરપાઈ પણ કરતી હતી. પરંતુ એક વાર એવું બન્યું કે ભવાની જેમ્સ ઉઠી જવાનાં અને બેંક લોન ડૂબી જવાનાં સમાચાર વહેવા લાગ્યાં. ત્યારે મનજીભાઈને થયું કે કંપનીનું નામ માર્કેટમાં ખરાબ થઈ રહ્યું છે.જેથી મારે બેંક લોનની ભરપાઈ કરી દેવી જોઈએ. કંપની ઓછી ચાલે તો વાંધો નહીં. પણ બેંકની એક એક પાઈ ચુકતે કરી દેવી જોઈએ.મનજીભાઈએ પોતાનાં એકાઉન્ટસ વિભાગ પાસે કંપનીનાં બેંકનાં દેવાની વિગતો માગી. જેમાં એવું સામે આવ્યું કે કંપનીનાં માથે રૂપિયા 500 કરોડનું દેવું છે.

   દેવાની રકમ ઘણી વધારે હતી. પરંતુ તે મનજીભાઈની ઈમાનદારી કરતાં વધારે ન હતી.1200 કરોડનું ટર્ન ઓવર ધરાવતી પોતાની કંપનીમાં સુચના આપી દીધી હતી કે અમદાવાદ, સુરત અને મુંબઈમાં રહેલી પોતાની મિલકતો વહેંચી દેવામાં આવે અને મિલકતો વેચવાનું શરૂ થયું જેમાં 70 ટકા જેટલી મિલકતો વેચાઈ ત્યારે 500 કરોડ એકઠા થઈ શક્યાં અને આ રૂપિયા તેમણે તરત જ બેંકમાં ભરપાઈ કરી દીધાં. પોતાનાં માથે રહેલું બેંકનું તમામ દેવું તેમણે ચુકતે કરી દીધું.

મનજીભાઈની કંપનીની 70 ટકા મિલકતો વેચાઈ જતાં કંપનીનું ટર્ન ઓવર ઘટીને 700 કરોડ થઈ ગયું છે. પરંતુ મનજીભાઈને તેનો કોઈ વસવસો નથી. તેમને તો બેંકનું દેવું ચુકતે કર્યાનો આનંદ છે.

(9:30 am IST)