Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દંત્રાલ :બેહોશ અવસ્થામાં મળેલ બાળકીનું મોત દૂષ્કર્મની આશંકા?;પીએમ રિપોર્ટની જોવાતી રાહ

પોશીનાના દંત્રાલમાં ધોરણ-6માં અભ્યાસ કરતી બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત

 

પોશીના તાલુકાના દંત્રાલ ગામ નજીક ધો.૬ની છાત્રા રોડ ઉપર બેહોશ અવસ્થામાં મળેલ બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી પરંતુ રસ્તામાં ભેદી રીતે મોત નિપજતાં ધો.૬ની છાત્રા સાથે દુષ્કર્મ તો નથી આચરાયું ને..? તેવી આશંકા ઉદભવી છે પોલીસે બનાવ અંગે એડી નોંધી પોસ્ટમોર્ટમની રાહ જોવાઈ રહી છે.

તાજેતરમાં જ ઈડરના લાલોડામાં શ્રમિક પરિવારની બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કર્યાના બનાવની કાળીશાહી સૂકાઈ નથી ત્યાં પોશીનાના દંત્રાલમાં વધુ એક બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલુકાના દંત્રાલ ગામના એક પરિવારની સગીરા નજીકના ગામે ધો.૬માં અભ્યાસ કરતી હોવાથી તા.૧પના રોજ તે રાબેતા મુજબ શાળામાં ગઈ હતી.

દરમિયાન સાંજના શાળા છૂટયા પછી પણ તે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં સરી પડયા હતા અને છાત્રાની શોધ કરતાં તે દંત્રાલ ગામ નજીક રોડ ઉપરથી બેહોશ અવસ્થામાં મળી આવતાં તાત્કાલિક સારવાર માટે પોશીના અને ત્યારબાદ ખેડબ્રહ્મા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તબિયત વધુ લથળતાં ઈમજન્સી-૧૦૮ દ્વારા હિંમતનગર લઈ જવાતી હતી ત્યારે રસ્તામાં જ વડાલી નજીક પ્રાણ પંખેરૃ ઉડી ગયું હતું.

  આશ્રમશાળાના આચાર્ય કનુભાઈ પટેોના જણાવ્યા મુજબ બાળા ગત રોજ વર્ગ શિક્ષકની રજા લીધા વગર જ રીસેસમાં પોણા ચાર વાગ્યે જતી રહી હતી.

પોશીના તાલુકાના દંત્રાલ ગામના સીમાડામાં ધો.૬ ની છાત્રા બેહોશ અવસ્થામાં મળી આવ્યા પછી મોત નિપજતાં તરેહ તરેહની આશંકાઓ વ્યક્ત થઈ છે. બેહોશ છાત્રા ઉપર બળાત્કાર ગુજારાયો હોવાની આશંકા વચ્ચે પોશીના પી.એસ.આઈ. એ.ડી.પરમારનો સંપર્ક કરતાં તેમને છાત્રાના શંકાસ્પદ મોત અંગે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ સાચુ કારણ જાણવા મળશે તેમ જણાવ્યું હતું. જ્યારે મૃતક છાત્રાના શરીર ઉપર ઈજાનાં કોઈ નિશાન જોવા ન મળ્યાં હોવાનું વધુમાં જણાવ્યું હતું.

દંત્રાલ પાસે બેહોશ અવસ્થામાં છાત્રા મળી આવતાં વધુ સારવાર અપાય તે અગાઉ મોત નિપજતાં તેની સાથે અઘટીત કૃત્ય થયાની આશંકા ઉભી થઈ છે. જ્યારે જિલ્લા પોલીસ વડા સૌરભસીંઘ પોશીના દોડી જતાં મામલો વધુ પેચીદો હોવાનું અનુમાન છે પરંતુ સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ગુણભાંખરીના મેળાની રૃટીન મુલાકાતે તેઓ આવનાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે એક જીપચાલક સામે પણ આશંકા ઉભી થતાં તે દીશામાં પોલીસે શકદારોને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે.

(9:25 am IST)