Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મહેસાણામાં સિંધી પરિવારની યુવતિ વિદેશ જવાની લાલચે ફસાઇઃ લગ્નના બે વર્ષે કબુતરબાજ પતિ અને સાસરીયા સામે સમન્સ

મહેસાણાઃ સિંધી પરિવારની એક યુવતિ વિદેશ જવાની લાલચમાં લગ્ન કર્યા બાદ બે વર્ષે પતિ વિદેશ ન લઇ જતા કબુતરબાજ પતિ અને સાસરિયા સામે ફરિયાદ કરતા કોર્ટે સમન્સ કાઢ્યું છે.

મહેસાણા સ્થિત સિંધી પરિવારની એક 27 વર્ષીય દીકરીના જીવનમાં લગ્ન બાદ તુરંત જ અંધકાર છવાયો હતો. સિંધી પરિવારમાં રહેતી એક યુવતીએ પેપરમાં જાહેરાત જોઈ વિદેશ રહેતો મુરતિયો પસંદ કર્યો હતો. વિકાસ છાબરીયા નામના યુવકે આ યુવતીને લગ્ન બાદ વિદેશ લઈ જવાના સપના બતાવ્યા હતા. વિદેશ જવાને ઘેલછામાં વર્ષા પણ વિકાસની જાળમાં બરાબર ફસાઈ હતી.

બાદમાં માતાપિતાની મરજીથી બંનેએ સગાઈ કરી લીધી હતી. સગાઈના 6 જ દિવસમાં વિદેશ જવાનું હોવાનું બહાનું બનાવીને યુવકે યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવત વિદેશ ચાલ્યો ગયો હતો અને યુવતી તેના ભરથારની રાહ જોતી સાસરીયામાં જ રહી ગઈ હતી.

વિદેશ ગયા બાદ યુવકે યુવતીના પિતા પાસેથી વિવિધ બહાને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જેમાં લગ્ન બાદ બદલાયેલા નામના ડોક્યુમેન્ટ્સ તેમજ વિઝાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. આ દરમિયાન યુવક એકવાર ભારત પણ આવ્યો હતો. યુવતીના પરિવારને વિઝાની પાવતી પણ બતાવી હતી. પરંતુ આ વખતે પણ તે યુવતીને એકલી મૂકીને જ વિદેશ જવા રવાના થઈ ગયો હતો.

આખરે યુવતીને સતત સાસુ અને સસરા તરફથી મળતો ત્રાસ અને પૈસાની માંગણી બાદ પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. વિદેશ જવાની માંગણી કરતા સાસરિયાઓએ તેને પિયર મોકલી આપી હતી. મહેસાણા ખાતે પોતાના પિયર રહેવા આવેલી ગયેલી વર્ષાએ આખરે આ અંગે પોલીસને સંપર્ક સાધ્યો હતો. જોકે, પોલીસે પણ મદદ ન કરતા વર્ષાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોર્ટે કબૂતરબાજ પતિ અને સાસરિયા સામે સમન્સ કાઢ્યું છે. અન્ય કોઈ યુવતી સાથે આવું ન બને તે માટે યુવતીએ પોતાની વેદના વ્યક્ત કરી હતી.

(5:55 pm IST)