Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણ - સેલવાસના પ્રવાસે : દમણ જેટીથી જમ્પોર બીચ માર્ગનું લોકાર્પણ : સાંજે સેલવાસમાં સાંસ્કૃતિક સમારોહ

બે દિવસીય કાર્યક્રમમાં પુલ, હોસ્પિટલ સહિતના અનેક પ્રકલ્પોના શિલાન્યાસ અને લોકાર્પણ : સઘન સુરક્ષા વ્યવસ્થા

વાપી તા. ૧૭ : ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આજથી બે દિવસ કેન્દ્ર શાસીત પ્રદેશ (દાદર નગર હવેલી અને દમણ) ની મુલાકાતે આવેલ છે.

રાષ્ટ્રપતિના આગમનને વધાવવા દમણ અને દાદરાનગર હવેલીમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તામાં સજજડ સુરક્ષા ગોઠવવામાં આવી છે.

જે બ્રીજ લોકાર્પણ કરવામાં આવનાર છે તેને નવોઢાની માફક શણગારવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલ સહિતના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરાશે.

દમણ જિલ્લા કલેકટર રાકેશજીએ માહીતી આપતા જણાવેલ કે આજે સવારે ૧૦ વાગ્યે રાષ્ટ્રપતિનું દમણ આગમન થયા બાદ સ્વામિ વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી જાહર સભાને સંબોધી હતી.

ઉપરાંત દમણમાં પૂર્ણ થયેલ પ્રોજેકટોનું લોકાર્પણ તથા નવા પ્રોજેકટોનો શિલાન્યાસ તેમના હસ્તે કરાશે.

નાની દમણ સરવડ સરકારી હોસ્પિટલમાં બનનારી ૩૦૦ બેડવાળી હોસ્ટિેલ, જેટી, ગાર્ડન, નવા પુલનું અને લોકાર્પણ ઉપરાંત આવાસ યોજનાના ૪૦ લાભાર્થીઓને ચાવી સુપ્રત કરાશે.

દમણ જેટીથી જમ્પોર બીચ માર્ગનું લોકાર્પણ તેમના હસ્તે કરાયુ હતુ. સાંજે પ વાગ્યે સેલવાસ જવા રવાના થશે. જયાં સાંજે રીવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત થયા છે.

આ અગાઉના રાષ્ટ્રપતિ સ્વ. ડો. એ. પી. જે. અબ્દુલ કલામ, તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસીંઘ પણ દમણની મુલાકાત લઇ ચુકયા છે.

રાષ્ટ્રપતિના આ બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા પ્રશાસક પ્રફુલભાઇ પટેલ સહીત સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યુ છે.

રાષ્ટ્રપતિની સુરક્ષા ટુકડીના અધિકારીઓ ઉપરાંત સેન્ટ્ર અર્ધ લશ્કરી દળ, બી.એસ.એફ., રીઝર્વ બટાલીયન, દીવ દમણ અને દાદર હવેલીના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

(3:58 pm IST)