Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રોડ શોમાં જનમેદની એકઠી કરવા કોર્પોરેશન દોડતુ થયુ

એક લાખથી વધુ લોકો એકત્રિત કરવાની યોજના : ભાજપે અમદાવાદ શહેરના ૪૮ વોર્ડના બધા જ કાર્યકરો અને પદાધિકારીઓને મોટી-ઉપયોગી જવાબદારી સોંપી

અમદાવાદ,તા. ૧૬ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પની ગુજરાત મુલાકાત ખાસ કરીને મોટેરા સ્ટેડિયમ ખાતેના કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને જોરદાર રીતે સફળ બનાવવા અને તેમાં એક લાખથી વધુની વિશાળ જનમેદની એકત્ર કરવા ભાજપ તરફથી છેક ઉપરથી સૂચના અપાયેલી હોઇ હવે અમ્યુકો તંત્ર પણ પડકારને પહોંચી વળવા દોડતુ થયુ છે. અમ્યુકોના શાસકપક્ષ ભાજપ દ્વારા શહેરના ૪૮ વોર્ડના તમામ કાર્યકરો અને પદાધિકારીઓને જવાબદારી સોંપાઇ છે અને સ્ટેડિયમ ખીચોખીચ ભરેલુ લાગે તેવા દ્રશ્યો સર્જવા માટે તાકીદ કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી તા.૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ આવવાના છે.

        તેઓના રોડ શો માટે અમ્યુકો દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. ૨૨ કિલોમીટર લાંબા યોજાનાર રોડ શો અને કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં લાખોની મેદની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમા થાય તેને લઈ ૪૮ વોર્ડમાં તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે. બંને મહાનુભાવોના રોડ શોની જવાબદારી અમ્યુકોને સોંપવામાં આવી હોવાથી આખું તંત્ર કામે લાગી ગયું છે. ખુદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક ટવીટ્ કરી નાગરિકોનો ઉત્સાહ વધારતાં જણાવ્યું તું કે, મારૂ અમદાવાદ કહે છે નમસ્તે ટ્રમ્પ. ભારતનો રોડ શો વધુ ને વધુ મોટો બની રહ્યો છે. એકલાખથી વધુ સહભાગીઓએ ૨૨ કિમી લાંબા રોડ શો માટે કન્ફર્મ કર્યું છે. દુનિયા સમક્ષ ભારતની સંસ્કૃતિને રજૂ કરવા અમદાવાદનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવો.

       બીજીબાજુ, ખુદ મેયર શ્રીમતી બીજલબહેન પટેલે પણ ટવીટ કરી જાણકારી આપી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સંદર્ભે યોજાનારા રોડ-શોમાં જોડાવા મારા કાર્યાલયનો સંપર્ક કરેથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. પ્રયાસો પરથી સ્પષ્ટ થાય છે કે, ઉપરોક બંને મહાનુભાવોના રોડશો અને કાર્યક્રમને સફળ બનાવવા લાખથી વધુ લોકોની વિશાળ જનમેદની એકઠી કરવાના પ્રયાસો મ્યુનિસિપલ કોર્પોરેશન અને શાસક પક્ષ ભાજપે શરૂ કરી દીધા છે. વોર્ડ પ્રમુખોથી નાના કાર્યકર્તાઓને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. લોકોને લાવવા અને લઈ જવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ૫૦ જેટલી એએમટીએસ બસો તેના માટે ફાળવવામાં આવશે.

(9:58 pm IST)