Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ઠંડીના પ્રમાણમાં ફરીવાર વધારો : પારો ગગડી ગયો

ગાંધીનગરમાં પારો ગગડીને ૯.૭ થયો : અમદાવાદમાં પારો ૧૧.૮ થયો : રાજ્યના ઘણા ભાગોમાં પારો ૧૨થી નીચે પહોંચતા લોકો ગરમ વસ્ત્રોમાં સુસજ્જ

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરીએકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ફરીથી ઘટાડો થયો છે.  ઠંડા પવનો સવારના ગાળામાં ફૂંકાયા છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧.૮ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૩૦.૮ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના અન્ય જે વિસ્તારમાં પારો ગગડી ગયો હતો તેમાં ડિસા, ગાંધીનગર, નલિયા સહિતના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ પારો ફરીએકવાર ગગડીને ૧૧.૮ ડિગ્રી થઇ ગયો છે. ડિસામાં ૧૦.૭ અને ગાંધનગરમાં પારો ૯.૭ રહ્યો હતો. વડોદરામાં લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી રહ્યું હતું. સુરતમાં લઘુત્તમ તાપમાન આજે ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી રહી શકે છે. એટલે કે ઠંડીના પ્રમાણમાં ફરી એકવાર ઘટાડો થશે. બીજી બાજુ અન્યત્ર મિશ્ર માહોલ રહી શકે છે. આજે સવારમાં ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો જ્યારે બીજી બાજુ બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન આજે પણ ગાંધીનગરમાં રહ્યં હતું જ્યા લઘુત્તમ તાપમાન ૯.૭ ડિગ્રી રહ્યું હતું.  બીજી બાજુ કંડલા એરપોર્ટ ખાતે પારો ૧૧.૬ અને નલિયામાં પારો ૧૧.૮ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં પણ પારો ૧૧.૬ રહ્યો છે. દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં હાલ વરસાદ પડી ચુક્યો છે. બીજી બાજુ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હાલ હિમવર્ષા પણ થઇ છે. પહાડી રાજ્યોમાં બરફની ચાદર હજુ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. તેની અસર પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઠંડીના લીધે રાત્રિ ગાળામાં હજુપણ રસ્તાઓ વહેલી તકે સુમસામ બની ગયાછે. ઠંડીમાં ઘટાડો થયો હોવા છતાં લોકો હજુ ગરમવસ્ત્રોમાં દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી પણ કોલ્ડવેવની ચેતવણી જારી કરાઈ નથી. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૧.૮

ડિસા............................................................ ૧૦.૯

ગાંધીનગર..................................................... ૯.૭

વડોદરા....................................................... ૧૨.૨

કંડલા એરપોર્ટ............................................. ૧૧.૬

નલિયા........................................................ ૧૧.૮

સુરેન્દ્રનગર.................................................. ૧૨.૪

મહુવા.......................................................... ૧૨.૩

 

 

 

 

 

 

(9:36 pm IST)