Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સીરામીક-ટાઇલ્સે ક્ષેત્રે ભારત બીજા નંબરે પહોંચે તેવા સંકેતો

સનહાર્ટ સિરામિક્સ ચોથા વર્ષે મોટી એક્ષ્પોર્ટર કંપની : સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારત સીરામીક-ટાઇલ્સ ક્ષેત્રે ચીનને હાલમાં ટક્કર આપી રહ્યું છે : ગોવા ખાતે કાર્નિવલ

અમદાવાદ,તા. ૧૭,      સીરામીક-ટાઇલ્સ ક્ષેત્રે ભારત ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર રીતે હરણફાળ ભરી રહ્યું છે તે જોતાં આ વર્ષના અંત સુધીમાં ભારત આ ક્ષેત્રમાં બીજા નંબર આવશે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભારત જ સીરામીક ટાઇલ્સ ક્ષેત્રે ચીનને ટક્કર આપી રહ્યું છે અને હાલ બીજા નંબર પર બ્રાઝીલ અને ભારત વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે પરંતુ વર્ષના અંત સુધીમાં ભારત બ્રાઝીલને પછાડી સીરામીક ટાઇલ્સના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરનો દેશ બની જવાની પૂરી શકયતા છે. છેલ્લા ત્રણ વર્ષથી સૌથી મોટી એક્ષ્પોર્ટર કંપની એવી સનહાર્ટ સિરામિક્સ દ્વારા તાજેતરમાં જ ગોવા ખાતે ટાઇલ્સ કાર્નિવલ યોજાયો હતો. જેમાં દેશભરમાં એક હજારથી વધુ ડિલરોએ ભાગ લીધો હતો. સિરામિક્સ ટાઇલ્સ ક્ષેત્રે ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કરનારી સનહાર્ટ સિરામિક્સ ૪૬ ટકાના વેચાણના વધારા અને રૂ.૫૫૫ કરોડના અંદાજિત ટર્નઓવર સાથે સતત ૪થા વર્ષે પણ સૌથી મોટી એક્ષ્પોર્ટ કરનારી કંપની બની રહેશે એમ સનહાર્ટ સિરામિક્સના ગ્રુપ સીઇઓ તપનભાઇ જેનાએ જણાવ્યું હતું.

         સિરામિક્સ-ટાઇલ્સ ક્ષેત્રે ભારતની સ્થિતિ અને કંપનીની અસાધારણ સિધ્ધિ વિશેની એક ખાસ વાતચીતમાં સનહાર્ટ સિરામિક્સના ગ્રુપ સીઇઓ તપનભાઇ જેનાએ જણાવ્યું હતું કે, હાલ ભારત દેશનું સિરામીક્સ-ટાઇલ્સનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ.૩૨ હજાર કરોડ રૂપિયાનું છે, જેમાં એક્ષ્પોર્ટ માર્કેટ રૂ.૬૦૦૦ કરોડનું છે. આ એક્ષ્પોર્ટ માર્કેટના ટર્નઓવરમાં ૩૦થી ૩૫ ટકાનો વધારો આ વર્ષે નોંધાશે અને આશરે રૂ.૯૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ માર્કેટ થશે. જેમાં સનહાર્ટ સિરામિક્સનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સનહાર્ટ સિરામિક્સ ટાઇલ્સની સૌથી મોટી એક્ષ્પોર્ટ કંપની બની રહી છે અને સતત ૪થા વર્ષે પણ કંપની તેની આ સિધ્ધિ જાળવી રાખશે. કંપનીની આ સિધ્ધિ પાછળના રહસ્ય અંગે તપનભાઇએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપની સિરામીક-ટાઇલ્સની પ્રોડકટની ગુણવત્તા અને અમારા ગ્રાહકોના સંતોષ સાથે કોઇ બાંધછોડ કરતી નથી. વર્લ્ડકલાસ કવોલિટી, ગુણવત્તાયુકત પ્રોડક્ટ અને પોષાય તેવી કિંમતે ટાઇલ્સ પૂરા પાડી ગ્રાહકોને સંતોષ આપવો આ જ ઉમદા અભિગમ સાથે કંપની  દેશની સૌથી મોટી એક્ષ્પોર્ટર કંપની તરીકેની સિધ્ધિને હાંસલ કરી શકી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ સનહાર્ટ સિરામિક્સ દ્વારા ગોવા ખાતે ટાઇલ કાર્નિવલ યોજાયો હતો. આશરે ૨૦ હજાર સ્કવેર ફુટના ટાઇલ ડિસપ્લે કરવામાં આવ્યા હતા. દેશના સૌથી મોટા આ કાર્નિવલમાં દેશભરમાંથી એક હજારથી વધુ ડિલરોએ ભાગ લીધો હતો. જેમાં કંપનીએ તેને લેટેસ્ટ વર્લ્ડકલાસ પ્રોડક્ટ કવોન્ટિકો લોન્ચ કરી હતી. ટાઇલ કાર્નિવલના આ સમારોહને અદ્ભુત પ્રતિસાદ સાંપડયો હતો. ગ્રુપ સીઇઓ તપનભાઇ જેનાએ ઉમેર્યું હતું કે, માત્ર આઠ જ વર્ષના સમયગાળામાં કંપનીને વિશ્વની ફલક પર પહોંચનારી સનહાર્ટ સિરામિક્સના આવતીકાલે શહેરના પાલડી વિસ્તારમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગઇકાલે આ જ પ્રકારના કંપનીના એક આઉટલેટનું ગોતા ખાતે પણ ઉદ્ઘાટન કરાયું હતું. કંપનીના હાલ ૯ મેન્યુફેકચરીંગ યુનિટ છે અને આ વર્ષ સુધીમાં વધુ એક યુનિટ શરૂ કરી કંપનીના કુલ યુનિટનો આંક દસ ઉપર પહોંચશે. કંપની દ્વારા મહત્તમ એક્ષ્પોર્ટ મીડલઇસ્ટ કન્ટ્રીઝમાં, ત્યારબાદ એશિયન અને એ પછી યુરોપીઅન કન્ટ્રીઝમાં થઇ રહ્યું છે. મોરબી સિરામીક હબ તરીકે વિશ્વભરમાં જાણીતુ બની ગયું છે અને દેશની  હરણફાળના કારણે તો,કેટલાક વર્ષોથી સિરામીક-ટાઇલ્સ પ્રોડકટની ચીનમાંથી આયાત બંધ કરી દેવાઇ હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો. તેમણે કંપનીની સિધ્ધિ અને ગૌરવનો યશ ગ્રાહકોને આપ્યો હતો.

(9:46 pm IST)