Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમદાવાદ-મુંબઇ વચ્‍ચે તેજસ એક્‍સપ્રેસ ટ્રેનમાં પ્રથમ દિવસે યાત્રિકોને સ્‍વાદિષ્‍ટ ગુજરાતી નાસ્‍તો અપાયો

અમદાવાદ : ઈન્ડિયન રેલવેની લક્ઝુરિયસ અને આધુનિક સુવિધા ધરાવતી તેજસ ટ્રેનનો અમદાવાદ-મુંબઈ વચ્ચે આખરે શુભારંભ થઇ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેજસ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તેજસ ટ્રેનનાં લીધે બે આર્થિક પાટનગરો અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરતા મુસાફરોને ખૂબ લાભ થશે. તેજસ ટ્રેન માત્ર 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોચી જશે. તેજસ ટ્રેનમાં સવાર યાત્રિકો પણ તેમની તેજસની પ્રથમ યાત્રાને લઈને ખુબ ઉત્સાહિત અને આનંદિત હતા. યાત્રિકોએ પીએમ મોદીનો તેજસ ટ્રેન શરુ કરવા બદલ આભાર માન્યો હતો. બીજી તરફ સમારંભમાં આવેલા તમામ રાજકીય પક્ષોનાં નેતાઓએ પણ તેજસ ટ્રેનનાં શુભારંભને આવકાર્યો હતો.

પહેલી મુસાફરીમાં શુ નાસ્તો પીરસાયો...

અમદાવાદથી ઉપડેલી તેજસ એક્સપ્રેસ ગણતરીની મિનીટોમાં વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી. અમદાવાદથી વડોદરા મુસાફરી કરનાર યાત્રીઓએ ટ્રેનની સુવિધાની પ્રસંશા કરી હતી. વડોદરા પહોંચેલા મુસાફરોએ કહ્યું કે, પ્લેન કરતાં પણ સારી સુવિધા ટ્રેનમાં છે. અમને નાસ્તામાં ફાફડા, જલેબી, ઢોકળા આપવામાં આવ્યા હતા. ટ્રેનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. હજી આવી બીજી પણ ટ્રેન સરકારે કાઢવી જોઈએ.

ગુજરાતી અને મરાઠી ફૂડ પિરસાશે

આ ટ્રેનમાં બે રાજ્યોના નાગરિકોને ધ્યાનમાં રાખીને ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં ગુજરાતી અને મરાઠી ફૂડ પિરસાશે. એટલુ જ નહિ, ટ્રેનમાં જે ટ્રેન હોસ્ટેસ રાખવામાં આવ્યા છે, તેઓને ખાસ ગુજરાતી લૂક આપવામાં આવ્યો છે. તમામ ટ્રેન હોસ્ટેસ કુર્તા અને પાયજામામાં હશે. તેમજ તેઓને કચ્છી વર્કની ટોપી પણ આપવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, સુરતમાં વિરોધ

અમદાવાદ, વડોદરા, સુરતમાં વિરોધ વચ્ચે આજે દેશની બીજી તેજસ એક્સપ્રેસ પાટા પર દોડી હતી. આ ટ્રેનના ખાનગીકરણને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં પણ ઈનટુક અને સુરત શહેર રેલ્વે મજદૂર સંધ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન અમદાવાદથી સુરત પહોંચે તે પહેલા વિરોધ કરવા પહોંચેલા ઇનટુક અને રેલવે મજદૂર સંઘના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

(4:53 pm IST)