Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ડીવાયએસપીથી લઇ હેડ કોન્સ્ટેબલ સુધીના ફરાર બન્યા

સામાન્ય લોકો પરથી કમુહર્તા ભલે ઉતર્યા, પોલીસ અધિકારીઓ અને સ્ટાફ પર હજુ કમુહર્તાના પંજામાં: ગત વર્ષની પરંપરા પોલીસ તંત્ર માટે યથાવત રહી : રીઢા ગુન્હેગારોની માફક એસીબીને તેમના નામના ખાસ વોરન્ટ ઇસ્યુ કરવા પડયાઃ જાણવા જેવી કથા

રાજકોટ, તા.,૧૭: કમુહર્તા ભલે સામાન્ય લોકો માટે ઉતરી ગયા હોય પરંતુ  ગત વર્ષે પોલીસ પર પનોતીની સાથે કમુહર્તા  બેઠા હતા તે નવા વર્ષે પણ ઉતરવાનું નામ લેતા ન હોય તેમ લાંચના ગુન્હામાં સંડોવણી બહાર આવ્યા બાદ ગુન્હેગારોની માફક ફરાર બનવાના અને એસીબી દ્વારા વોન્ટેડ જાહેર કરવાની પરંપરા ચાલુ વર્ષમાં યથાવત રહી હોય તેમ નવા વર્ષના પ્રારંભે જ લાંચના છટકામાં નામ ખુલ્યા બાદ એક પીએસઆઇ અને એક એએસઆઇ નાસી છુટયા છે. માત્ર પીએસઆઇ જ નહી ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ નાસી છુટયા બાદ એસીબી વડા કેશવકુમારનો તાપ ન જીરવાતા હાજર થયાના બનાવો બન્યા હતા.

ગત વર્ષેના અંતના માસમાં વિરમગામના ડીવાયએસપી નાઇ દોઢ લાખની કહેવાતી લાંચ મળવા છતા વધુ પોણા બે લાખની કહેવાતી લાંચ લીધા બાદ સેસન્સ કોર્ટ હાઇકોર્ટ સુધી જામીન ન મળતા આખરે હાજર થયા હતા.

વડોદરાના એક પીઆઇએ નિવૃતી સમયે  એક લાખની લાંચના મામલામાં સંડોવણી બહાર આવ્યા બાદ તમામ પ્રયાસો બાદ એસીબી સમક્ષ હાજર થયા હતા. સૌરાષ્ટ્રની વાત કરીએ તો કલ્યાણપુર પોલીસ મથકના પીએસઆઇ ૩ લાખની લાંચ લીધા બાદ ફરાર થઇ જતા તેઓ સામે કલમ-૭૦ મુજબનું વોરન્ટ પણ કાઢવામાં આવેલ.

જેતપુરના તત્કાલીન ડીવાયએસપી શ્રી ભરવાડનું લાંચ પ્રકરણ તાજુ જ છે. પોલીસમેન વિશાલ સોનારા લાચના છટકામાં ઝડપાયા બાદ તેઓ લાંબા સમય સુધી ફરાર રહયા. તેમની કાર મળી પણ તેઓ તે સમયે મળ્યા ન હતા. એસીબી વડા દ્વારા આ મામલાને ગંભીર ગણી અદાલતમાં પણ કાનુની જંગી લડાયેલો. મોડાસાના  પીએસઆઇ કેતન બ્રહ્મભટ્ટને ૨૦ હજારની લાંચના છટકાની ગંધ આવી જતા ફરીયાદીને કારમાંથી ઉતારી નાસી છુટયા હતા.

ચાલુ વર્ષની વાત કરીએ તો ઉનાવા પોલીસ મથકના પીએસઆઇ ચેતક બારોટ  પોલીસમેન મારફત ૮૦ હજારની લાંચમાં ઝડપાયા બાદ ફરાર થઇ ગયા હતા. ફરી સૌરાષ્ટ્ર તરફ પરત ફરીએ તો ભાવનગર જીલ્લાના સિંહોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગૌતમ રામાનુજનું નામ બહાર આવતા તેઓ ફરાર થઇ ગયા હતા.

(1:03 pm IST)