Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૨૫ વર્ષના શાસન પછી હવે ભ્રષ્ટાચારની વાતો? કોંગ્રેસના મનિષ દોશીના ચાબખા

અમદાવાદ  : ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ મુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર બાબતના વિડીયો અંગે પ્રતિક્રિયા આપી કહ્યુ હતુ કે ૨૫ વર્ષથી શાસન કરતા  લોકો ભષ્ટ્રાચારની વાતો કરે છે. ભાજપ જ નહિ, આખી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે.

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપની સરકાર છે. અગાઉ કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હતા. તો ભાજપની સરકારમાં પણ ભ્રષ્ટાચાર ફુલ્યોફાલ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સરકારી બાબુઓ પણ લાંચ લેતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે ખુદ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ભ્રષ્ટાચાર સામે ખુલ્લો જંગ છેડ્યો છે

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર સામે ખુલ્લો જંગ છેડ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે અને ઈમાનદારીથી પગલા લઈ રહ્યા છે. આ સાથે એન્ટી કરપ્શન વિભાગને મજબૂત બનાવવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે, ભ્રષ્ટાચારીઓને ન પકડવા તેવા કાયર અમે નથી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. આપણે પણ એ જ રસ્તે ચાલ્યા અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર પર અંકુશ આવે, ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા લેવાય અથવા તો સિસ્ટમ્સમાં સુધારો કરીને એને નિયંત્રિત કરાય તે માટે રાજય સરકારે ખુલ્લો જંગ માંડ્યો છે. અમારા કોઈ વ્યકિતગત એજન્ડા નથી. આપણે એન્ટી કરપ્શનને ખૂબ મજબૂત બનાવ્યું છે અને અને એસીબીના દરોડાનો વ્યાપ વધાર્યો છે. ભ્રષ્ટાચારીને પકડીને એને નાથવાનો પ્રયાસ છે અને બધું ચલાવવું એવા અમે કાયર નથી.

(1:02 pm IST)