Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

દુનિયાના 30 ટકા દુધાળા પશુઘન આપણી પાસે છતાં આપણું ઉત્પાદન 21 ટકા જેટલું : પશુપાલન નિયામક

અમુલ બ્રાન્ડનો અત્યારે દુનિયાના 50 દેશોમાં ડંકો:રાજ્યમાં 67,607 પશુ હેલ્થ કેમ્પ યોજાયા: જેમાં 2.75 કરોડ પશુઓને નિ:શુલ્ક સારવાર મળી

અમદાવાદ :આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ઉપર યોજાયેલ ત્રીદિવસીય પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2021ના ત્રીજા દિવસે વર્તમાન સમયમાં ડેરી ક્ષેત્રમાં આવી રહેલા પરિવર્તનો તેમજ ગુજરાતમાં ડેરી પ્રદાર્થોના નિકાસની શક્યતાઓ અને નવીન તકો ઉપર ઉપર જ્ઞાનસત્ર યોજાયો હતો. આ ક્ષેત્રનાં નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યા હતા.

રાજ્યના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકરે જણાવ્યું કે, દેશમાં કુલ 198 મીલીયન ટન દૂધનું ઉત્પાદન થાય છે. વિશ્વના દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 21 ટકા છે. જે અમેરીકા પછી બીજા ક્રમે આવે છે. પરંતુ પશુદીઠ દૂધ ઉત્પાદનની વાત કરીએ તો આપણે અમેરીકાની પાછળ છીએ. દુનિયાના 30 ટકા દુધાળા પશુઘન આપણી પાસે છે છતાં પણ આપણું ઉત્પાદન 21 ટકા જેટલું છે. વાર્ષિક ધોરણે જોઇએ તો પશુદીઠ 1862 કિ.ગ્રા. દૂધનું ઉત્પાદન થાય છે.

ગુજરાત રાજ્યના સંદર્ભમાં વાત કરતા તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્યમાં દૂધાળા પશુ વધુ દૂધ આપે અને પશુપાલકોની આવક વૃદ્ધિ થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન સ્વરૂપે કામગીરી કરાઇ રહી છે અને તેમાં નોંધપાત્ર સફળતા પણ મળી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2002 થી પશુ હેલ્થ કેમ્પ યોજવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 67,607 પશુ હેલ્થ કેમ્પ યોજાયા છે. જેમાં 2.75 કરોડ પશુઓને નિ:શુલ્ક સારવાર મળી છે. પશુપાલકોને ઘણી બધી સરકારી યોજનોઓનો લાભ આપવામાં આવે છે. રાજ્યમાં 10 ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જે પશુપાલકો માટે મોટા આર્શીવાદ બની રહી છે. રાજ્યમાં સહકારી દૂધ મંડળીઓનું પણ મજબુત નેટવર્ક છે.

કામ ધેનુ યુનીવસિર્ટીના વાઇસ ચાન્સેલર ડો. એન.એચ. કેલાવાલાએ જણાવ્યું કે, પશુપાલકોએ નવીનતમ ટેકનોલોજીનો મહત્તમ લાભ લેવો જોઇએ. અત્યારે પશુપાલકો ઓછા પશુઓનો નિભાવ કરી શકે છે. પશુપાલકો પાસે વધુમાં વધુ પાંચ પશુઓ હોય છે આ સ્થિતિમાં સુધારો કરવાની જરૂરીયાત છે. ખેડૂતો-પશુપાલકો નવીનતમ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ નથી કરતા તેનું એક મહત્વનું કારણ 60 ટકા પશુપાલકો અસંગઠિત ક્ષેત્રના છે.

સેમીનારમાં ડો. કાચવાલાએ વિવિધ અત્યાધુનિક તકનીકોને પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજાવી હતી. જેમાં પશુની દિનચર્યા પર નજર રાખતા ડિવાઇસ, રેડિયો ફ્રિકવન્સી આઇન્ડેટીફેકેશન ડિવાઇસ, કેટલ મોનીટરીગ ડ્રોન, બ્લોક ચેઇન ટેકનોલોજી, સ્માર્ટફોનની સ્માર્ટ એપ્સ વગેરેની કામગીરી સમજાવી હતી. તેમણે બાયોટેકનોલોજી અને જીનેટીકસ ટેકનોલોજી વિશે પણ વાત કરી હતી.

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી. ના સિનિયર જનરલ મેનેજર જયેન મહેતાએ કહ્યું કે, અમુલ બ્રાન્ડનો અત્યારે દુનિયાના 50 દેશોમાં ડંકો વાગે છે. વિશ્વમાં દૂધ-ઉત્પાદનનું 8 લાખ કરોડનું માર્કેટ છે અને ભારત આ ક્ષેત્રમાં લીડરશીપ લઇ શકે છે.

તેમણે ગુજરાતમાં અમુલની વાત કરતા જણાવ્યું કે, અમુલ દ્વારા રોજનું 250 લાખ લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે અને અમુલ સાથે 36 લાખ ખેડૂતો જોડાયેલા છે. અમુલ બ્રાંન્ડની દષ્ટ્રિએ દુનિયામાં ત્રીજા નંબરે છે. અમુલ દર મહિને 2 નવી પ્રોડક્ટ માર્કેટમાં મુકી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો અમુલે 250 જેટલી પ્રોડક્ટ આપી છે. દૂધ તેમજ તેને લગતા ઉત્પાદનમાં ભારતનું ભાવી ખૂબ ઉજળું છે.

સીરેપ ઇન્ડિયા પ્રા.લી. ના ગુજરાતના હાલોલ ખાતેના ડિરેક્ટર મિશેલ જેનેઝીકે જણાવ્યું કે, અમે દુનિયાના જૂજ દેશોમાં પ્લાન્ટ સ્થાપ્યા છે. જેમાં અમારા હાલોલ ખાતેના પ્લાન્ટમાં 120 જેટલા કર્મચારીઓ કામ કરે છે. અમે મુખ્યત્વે બલ્ક મિલ્ક કુલર બનાવીએ છીએ. અત્યાર સુધીમાં 5000 જેટલા કુલર બનાવવામાં આવ્યા છે. આ સ્ટોરેજ ફેસીલીટીથી દૂધનો અનાવશ્યક બગાડ અટકે છે. તેની ગુણવત્તા જળવાઇ રહે છે. અમે સોલાર આધારિત પણ મશીનો બનાવવાના શરૂ કર્યા છે. જેને ઘણી સફળતા મળી છે.

બેઇફ ડેવલપમેન્ટ રીસર્ચ ફાઉન્ડેશનનાં ડો. જયંત રામચંદ્વ ખડશેએ સેક્સ સોર્ટેડ સીમેન ટેકનોલોજી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ ટેકનોલોજીથી આપણે ઇચ્છીએ તે જાતિની ઔલાદ મેળવી શકાય છે. આ ટેકનોલોજીનું પરિણામ 90 ટકા જેટલું છે.

જીનસ બ્રીડિગ ઈન્ડીયા પ્રા. લી.નાં જનરલ મેનેજર રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, પશુપાલનમાં જીનેટીકસ ટેકનોલોજીના ઉપયોગ થકી સરસ પરિણામો મેળવી શકાયા છે. આ ટેકનોલોજી પાછળ અત્યારે ફક્ત 1 ટકો જ ખર્ચ કરવામા આવે છે. પરંતુ તેનાથી 60 ટકા જેટલા ઉચ્ચ પરિણામો મળે છે. સેમીનારમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, નિષ્ણાંતો સહભાગી થયા હતા.

(8:21 pm IST)