Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ચાઈનીઝ દોરીથી બાઇક ચાલકનું ગળું કપાતા મોત થયું

આણંદ જિલ્લાના પેટલાદ માણજ ગામનો બનાવ : દોરીમાં વપરાતા કેમિકલ, ઝીંક, મેટલને કારણે દોરી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજવાયર બની જાય છે

આણંદ,તા.૧૫ : ઉત્તરાયણ નજીક આવતા ચાઇનીઝ દોરીનો કહેર સામે આવ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદ માણજ ગામ પાસે બાઇક ચાલકના ગળામાં પતંગની ચાઈનીઝ દોરી આવી ગઇ હતી. જેના કારણે આધેડને ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ છે. આ અંગે પેટલાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઉત્તરાયણ પહેલા આ કિસ્સો પતંગ રસિયાઓ અને વાહન ચલાવનારા બંનેને સાવધાની રાખવાનું સુચવે છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાનો પ્રથમ બનાવ બન્યો છે. જેમાં મૂળ ગાના-મોગરી ખાતે રહેતા ૫૦ વર્ષના વિઠ્ઠલભાઈ પરમાર મંગળવારે સાંજે માણેજ ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના ગળા પર ચાઈનીઝ દોરી આવી જતાં લોહીલુહાણ થઇ ગયા હતા. જે બાદ સ્થાનિકોએ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર એ પહેલાં તેઓ મૃત્યુ પામ્યા હતા. આ મામલે પેટલાદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિઠ્ઠલભાઈ પરમાર પત્ની ભારતીબેન અને બે પુત્રો પરેશ અને યોગેશ સાથે રહેતા હતા.વિઠ્ઠલભાઈ પરમાર ડ્રાઈવિંગના કામ સાથે સાંજના સમયે પેટ્રોલપંપ પર કામ કરતા હતા. જ્યારે પત્ની ભારતીબેન અને બંને પુત્રો પણ ઘર ચલાવવા તેમને સહાય કરતા હતા. જોકે, વિઠ્ઠલભાઇના અચાનક મોતથી પરિવારનો સહારો છીનવાઇ ગયો છે. ચાઇનીઝ દોરી આટલી ખતરનાક કેમ હોય છે તે જાણીએ. ચાઇનીઝ દોરીમાં વપરાતા કેમિકલ, ઝીંક અને મેટલને કારણે આ દોરી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજવાયર બની જાય છે. ઉપરાંત વ્યક્તિ, પશુ કે પક્ષીના શરીર સાથે ઘર્ષણ થાય તો તે ઘણી જ ધારદાર હોય છે.

(7:33 pm IST)