Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ધર્મજ ગામમાં કોટક બેન્કની ખોટી બ્રાન્ચ ખોટી બંટી-બબલી કરોડોનું ફુલેકુ ફેરવી ફરાર

ભારતના પેરીસ તરીકે ઓળખાતા એનઆરઆઈ ગામ ધર્મજમાં કોટક મહેન્દ્ર બેંકના નામે શાખા ખોલીને બંટી-બબલી ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ફિક્સ ડિપોઝિટો ઉઘરાવીને રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દશેક મહિના પહેલા ધર્મજ ગામે ઉંઝાના કનકભાઈ શાહ અને તેમની પત્ની દ્વારા કોટક મહેન્દ્ર બેંકના નામે કોટક સિક્યુરિટિ નામની ઓફિસ ખોલી હતી અને ગામના જ બે યુવાનોને નોકરીએ રાખીને ફિક્સ ડિપોઝિટ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું. બંટી-બબલી દ્વારા ગ્રાહકોને ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી જેને લઈને કેટલાક ગ્રાહકો આકર્ષાયા હતા અને તેઓ દ્વારા કોટક સિક્યુરિટિઝમાં ફિક્સ ડિપોઝિટ મૂકી હતી. બંટી-બબલી દ્વારા તેમની શાખામાં નોકરીએ રખાયેલા બન્ને યુવાનોના નામના ચેક અથવા તો રોકડ રકમ લઈને ફિક્સ ડિપોઝિટની પાવતી આપવામાં આવતી હતી. દશેક મહિનાની અંદર બંટી-બબલી દ્વારા લાખો રૂપિયાની રકમ ઉઘરાવી લીધી હતી. જો કે ચારેક દિવસ પહેલાં એક એનઆરઆઈ ફિક્સ ડિપોઝિટ મૂકવા માટે ગયા ત્યારે કથિત કનકભાઈ શાહ દ્વારા રોકડ રકમ કે પછી તેમને ત્યાં કામ કરતા યુવાનોના નામે ચેક આપવાનું જણાવ્યું હતુ. જો કે એનઆરઆઈએ કોટક મહેન્દ્ર બેંકનો જ ચેક આપવાનો આગ્રહ રાખ્યો હતો અને ફરીથી આવવાનું જણાવી ત્યાંથી નીકળી ગયા હતા. આ તરફ પોતાનો ફાંટો ફૂટે તે પહેલાં જ બંટી-બબલી રાતોરાત ભાડાનું મકાન ખાલી કરીને લેપટોપ, કોમ્પ્યુટર સહિત જે કાંઈપણ સામગ્રી હતી તે લઈને ત્યાંથી નીકળી ગયા હતા. છેલ્લાં ચારેક દિવસથી તેમનો કોઈ અત્તો પત્તો ના લાગતાં ડિપોઝિટરોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા. કેટલાક જાગૃતોએ ઘોડો નાશી ગયા બાદ તબેલાને તાળાં મારતા હોય તેમ કોટક મહેન્દ્ર બંક, મુંબઈનો સંપર્ક કરીને ધર્મજની શાખા અંગે પૂછતાં તેઓ દ્વારા આવી કોઈ શાખા તેમના દ્વારા ખોલવામાં નહીં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે આ મામલે ભારે હોબાળો થવા પામ્યો હતો. જો કે આ સંદર્ભે પેટલાદ રૂરલ પોલીસનો સંપર્ક કરતાં આવી કોઈ ફરિયાદ હજી સુધી પોલીસ મથકે આવી નહીં હોવાનું જણાવ્યું હતુ. સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ વ્યાજ મેળવવાની લાલચે ઠગાયેલા ડિપોઝિટરો પણ ખુલીને કાંઈ બોલવા તૈયાર નથી જેને લઈને ખરેખર ઠગાઈનો આંકડો કેટલો છે તે બહાર આવ્યુ નથી.

(6:28 pm IST)