Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ખેડૂતો-યુવાનો તમે દુઃખી છો તો, કોંગ્રેસ પક્ષને મત આપો

શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસને જીતાડવા જાહેર અનુરોધ : જસદણ ચુંંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની ચુંટણીનો પવન ફુંકાશે અને કોંગ્રેસનો વિજય થશે : શંકરસિંહ વાઘેલા

અમદાવાદ, તા.૧૬ : રાજકોટમાં શંકરસિંહ વાઘેલાએ આજે જસદણ વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટની ગોંડલ ચોકડી નજીક ખાનગી હોટલમાં ખેડૂતો અને યુવાનો સાથે સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ વિરોધપક્ષનાં નેતા શંકરસિંહ વાઘેલાએ જસદણ વિધાનસભાની પેટા ચુંંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચુંટણીનો પવન ફુંકાશે અને કોંગ્રેસનો વિજય થશે તેવું નિવેદન આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વધુમાં તેમને જસદણ વિધાનસભા મત્તક્ષેત્રનાં મતદારોને પણ કોંગ્રેસ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. રાજકોટ શહેરના ક્રિષ્ના પાર્ક ખાતે આજે શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ખેડૂત આગેવાનો અને યુવાનો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં શંકરસિંહે ખેડૂતોની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની હાલત માટે ભાજપ સરકાર જવાબદાર છે. તેમજ જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી પ્રચાર કરીશ. ખેડૂતો અને યુવાનો જો તમે આ સરકારથી દુખી છો તો જસદણમાં કોંગ્રેસને મત આપવાનો 'અવસર' છે. શંકરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ દિવસને દિવસે વધતુ જાય છે તેમજ યુવાનોની બેરોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. જેનાથી હું ચિંતિત છું. જસદણની પ્રજાને કોંગ્રેસ તરફથી જંગી મતદાન કરી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને જીતાડવા સાફ અનુરોધ કર્યો હતો. વાઘેલાના કોંગ્રેસ તરફના ઝુકાવ અને પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ તરફથી તેમના પ્રચારને લઇ રાજકારણ જોરદાર રીતે ગરમાયું છે.

 

(8:10 pm IST)