Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

તો શું પાટીદાર વિસ્તારોમાં જ ન ચાલ્યો હાર્દિકનો જાદુ!

જ્યાં પાટીદાર આંદોલન જોરમાં હતું તેવી બેઠકો પર પણ ૬-૧૨ ટકા જેટલું મતદાન ઓછું થયું છેઃ મોટી સંખ્યામાં પાટીદારોને ભાજપ વિરૂધ્ધ મતદાર કરવાની કરી હતી અપીલ

નવી દિલ્હી તા. ૧૬ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી લગભગ ૪% જેટલી ઓછી છે. એટલું જ નહીં, પરંતુ જે વિસ્તારો પાટીદાર પ્રભૂત્વ ધરાવે છે અને જયાં પાટીદાર આંદોલન જોરમાં હતું તેવી બેઠકો પર પણ ૬-૧૨ ટકા જેટલું મતદાન ઓછું થયું છે. મહત્વની વાત તો એ છે કે આ બેઠકો એવી છે જયાં હાર્દિકે છેલ્લે સુધી રેલીઓ અને બેઠકો કરી હતી અને પાટીદાર સમાજને મોટી સંખ્યામાં બહાર નીકળી ભાજપ વિરુદ્ઘ મતદાન કરવા કહ્યું હતું.

પાટીદાર આંદોલનની અસર ધરાવતા વિસ્તારોમાં મતદાન પહેલા હાર્દિકની લગભગ ૧૨૦ જેટલી જાહેર રેલીઓ થઈ છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ-કચ્છ અને સુરતમાં તેની જંગી રેલીઓ થઈ હતી. જોકે ઇન્ટરેસ્ટિંગલી હાર્દિકે જયાં પણ રેલીઓ કરી છે ત્યાં મતદાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જેમ કે, રાજકોટની ગોંડલ બેઠક પર ૫૦% પાટીદાર મતદારો પાટીદાર સમાજના છે અને અહીં હાર્દિકે ભારે પ્રચાર કર્યો હતો. જોકે ગોંડલનું મતદાન ગત ચૂંટણી કરતા ૧૧.૮૯% ઓછું થયું છે.

પાસના એક સભ્યે કહ્યું કે ગોંડલ જ નહીં જયાં પણ પાટીદાર આંદોલન ચરમસીમાએ પહોંચ્યું હતું તેવા બોટાદ, સુરત અને અમદાવાદ જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર મતદાનમાં ઘટાડો નોંધાયો છે. સુરતના પાસ કન્વિનર ધાર્મિક માલવિયાએ આ માટે ઈલેકશન કમિશનને જવાબદાર ગણાવીને આરોપ મુકયો કે જયાં પાટીદાર આંદોલનની અસર હતી તેવી તમામ બેઠકો પર ઘણા મતદારોના નામ જ વોટર લિસ્ટમાંથી ગાયબ થઈ ગયા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, 'પહેલાની ચૂંટણીમાં ભાજપના સપોર્ટમાં રહેતી સંસ્થાઓ લોકોને બુથ સુધી આવવા જવા માટે વાહનોની વ્યવસ્થા કરી આપતી હતી જયારે આ વખતે તેઓ આવ્યા જ નહીં જેના કારણે ઘણા લોકો ઘરે જ રહ્યા.' આ ઉપરાંત પાટીદાર સમાજના જ કેટલાક સૂત્રોએ કહ્યું કે, 'આંદોલન છતા ઘણા પાટીદારો એવા પણ છે જેઓ ભાજપનો વિરોધ ઠીક છે પરંતુ કોંગ્રેસને વોટ આપવા નથી માગતા તેના કારણે આવા લોકો વોટિંગથી જ દૂર રહ્યા હતા.'

અલબત્ત, પાસ નેતા અને કોંગ્રેસની ટિકિટ પર ધોરાજીથી ચૂંટણી લડનાર લલિત વસોયા દાવો કરે છે કે, 'આ ચૂંટણીમાં પાટીદાર ફેકટર ખૂબ અસરકર્તા રહેશે અને ભાજપની હાર થશે.' (૨૧.૧૭)

 

(11:23 am IST)