Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના છ સભ્યો માથે પક્ષાંતર ધારાની લટકતી તલવાર: નોટીસ ફટકારાઇ

ભાજપને ખુલ્લું સમર્થન આપનાર સભ્યો સામે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ પણ કાર્યવાહી કરાશે

વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતમાં સમિતિઓની સત્તાઓ પાછી લેવા માટે તેમજ ગ્રાન્ટના કામો રદ કરવા માટે ખાસ સભામાં ભાજપને ખુલ્લું સમર્થન આપનાર કોંગ્રેસના છ સભ્યોના માથે પક્ષાંતર ધારાની તલવાર લટકી રહી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો ટેકો લઇ કોંગ્રેસના અસંતુષ્ટ મહિલા સદસ્ય પ્રમુખ બનતાં તેમણે તા. ૮મી નવેમ્બરની પહેલી જ મીટિંગમાં તમામ સમિતિઓની સત્તાઓ પરત લેવા તેમજ અગાઉના પ્રમુખે મંજૂર કરેલા વિકાસના કામો નામંજૂર કરી નવા કામો મુકવા માટે દરખાસ્ત મુકાવી હતી.

   આ દરખાસ્તને ભાજપના તમામ ૧૪ સભ્યોએ સમર્થન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસે તમામ ૨૨ સભ્યોને વ્હીપ આપી દરખાસ્ત નામંજૂર કરવા આદેશ આપ્યો હતો.પરંતુ છ થી સાત સભ્યોએ વ્હીપનો અનાદર કરી ભાજપ સાથે રહીને દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે અને છ સભ્યોને વ્હીપના અનાદર બદલ શો કોઝ નોટિસ આપી પાંચ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. ત્યારબાદ બળવાખોરો સામે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જિલ્લા કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

  વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રભારીએ છ સભ્યોને નોટિસ આપવામાં આવી હોવાની વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે,પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગેર શિસ્ત ચલાવવા તૈયાર નથી.સામાન્ય સભામાં કોંગ્રેસના મંજૂર વિકાસ કામોને રદ કરવાના મુદ્દે ભાજપને ખુલ્લું સમર્થન આપનાર સભ્યો સામે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

(1:41 pm IST)