Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સાવધાન... બીમાર હો તો વાહન નહિ ચલાવતા : જો ચલાવશો અને અકસ્માત થશે તો હત્યાનો ગુન્હો

ગાંધીનગરમાં પોલીસે ૩૦૪ કલમ હેઠળ કેસ નોંધ્યો

અમદાવાદ, તા.૧૬: શું તમે બીમાર છો તો પોતે વાહન ચલાવવાની જગ્યાએ બીજા કોઈને કહો કે તમને દ્યરે મુકી જાય. ગાંધીનગરમાં રહેતા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા વ્યકિત વિરુદ્ઘ IPCની કલમ ૩૦૪ અંતર્ગત હત્યાની શ્રેણીમાં ન આવતો પરંતુ બિન ઈરાદાપૂર્વક હત્યા કર્યાનો આરોપ નોંધ્યો છે. આરોપીએ કહ્યું કે પોતે બીમાર હોવાથી દવા લઈને ઓફિસથી ઘરે જતો હતો પરંતુ રસ્તામાં કાર ચલાવતી વખતે તેનું આરોગ્ય વધારે ખરાબ થયું હતું અને તમ્મર આવ્યા હતા.

ગાંધીનગરમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ૧૨ ઓકટોબરના રોજ કોબા-ગાંધીનગર રોડ પર રાયસણ નજીક ૨૫ વર્ષની મહિલા ક્રિશ્ના પંડ્યા એક રોડ અકસ્માતમાં મોતને ભેટી હતી જયારે તેની સાથે રહેલો તેનો ફિયાન્સે વિજય શ્રીમાળીને ગંભીર ઈજા પહોંચી હતી.

કપલ ૧૩ ઓકટોબરના રોજ પોતાની સગાઈ હોવાથી ખરીદી કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે હાઈસ્પીડ કાર ટક્કર મારીને આગળ વધી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે કાર માલિકની શોધ આદરી હતી. કેમ કે અકસ્માત કરનાર કાર નવી હોઈ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કર્યું હતું. જેને લઈને કારની નંબર પ્લેટ ન હોવાથી પોલીસને આરોપીને શોધતા ૧ મહિના જેટલો સમય લાગ્યો હતો.

જોકે પોલીસે તપાસ કર્યા બાદ અને તમામ સબૂતોના આધારે ગાંધીનગરમાં રહેતા કિરણ દેસાઈ સુધી પહોંચી હતી અને પૂછપરછમાં જાણવા મળ્યું કે અકસ્માતના દિવસે કિરણ દેસાઈની તબીયત લથડી હોવાથી તેઓ દ્યરે જઈ રહ્યા હતા. આ દરમિયાન દ્યટના ઘટી હતી.

તેણે પોલીસસાથેની વાતચીતમાં જણાવ્યું કે રસ્તામાં પોતાની હાલત એટલી તો ખરાબ થઈ ગઈ હતી કે જેના કારણે એકિસડન્ટ વિશે પણ ખાસ ખ્યાલ નથી. બસ એટલું લાગ્યું કે તેની કાર સાથે કંઈક અથડાયું હતું. જેથી તેણે પોતાના સાથી કર્મચારીને પરત ચેક કરવા પણ કહ્યું હતું જોકે કિરણને દ્યરે મુકીને જયારે સાથી કર્મચારી પરત ચેક કરવા આવ્યો ત્યારે રસ્તા પર એકિસડેન્ટના કોઈ આસાર નજર આવ્યા નહોતા.

પોલીસે વધુમાં જણાવ્યું કે, ડોકટરે કિરણને ન્યુમોનિયા હોવાનું નિદાન કરતા અકસ્માતની ઘટના બાદ એક સપ્તાહ સુધી તો તે હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.

(9:25 pm IST)