Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સરકારે બોર્ડ - નિગમમાં કાર્યકરો, નેતાઓની નિમણૂક લટકાવતા કચવાટ

નવી સરકારને દસ મહિના થયા બાદ પણ કોઇ નિર્ણય ન લેવાતા સામી ચૂંટણીએ કાર્યકરોનો ઉત્‍સાહ ટકાવવા નિમણૂકો અનિવાર્ય

ગાંધીનગર તા. ૧૬ : ભાજપની સરકારની નવી ટર્મને દસ મહિનાનો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી બોર્ડ-નિગમોમાં મોટાપાયે પક્ષના કાર્યકરો-નેતાઓની નિમણૂકો ન કરાતા પક્ષમાં ગણગણાટ શરૂ થવા પામ્‍યો છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ ભાજપના કાર્યકરોની નિમણૂક કરાશે તેવી હૈયાધારણ આપવામાં આવી હતી પરંતુ છેક સુધી ના કરાતા અનેક કાર્યકરો-નેતાઓ નિષ્‍ક્રિય રહ્યા હતા. જેનું પરિણામ બેઠકોની સંખ્‍યા ઉપર પડ્‍યું હતું. હવે લોકસભાની મહત્‍વની ચૂંટણી આવી રહી છે ત્‍યારે જો ફરીથી નિમણૂકો કરવામાં ગાજર લટકાવાશે તો તેનું પુનરાવર્તન થાય તેવી ભીતિના કારણે સંગઠનમાંથી પણ સરકાર ઉપર વહેલી તકે નિમણૂકો કરવા દબાણ કરાયું છે.

ભાજપના કાર્યકરો અને મધ્‍યમ કક્ષાના કેટલાક નેતાઓ લાંબા સમયથી તેમની સરકારી બોર્ડ-નિગમમાં નિમણૂક કરાય તેવી આશાએ રાહ જોઇને બેઠા છે પરંતુ તે હજુ સુધી ફળીભૂત થઈ નથી. તેની સામે સરકારમાં આ મુદ્દે બેઠકો થાય છે અને વિચારણા પણ કરાય છે પરંતુ નિર્ણાયકતાના અભાવના કારણે મામલો વિલંબમાં મૂકાયા કરે છે. સંગઠનની મૂંઝવણ એ છે કે ચૂંટણી નજીક આવશે તેમ મોટાપાયે પક્ષના સંખ્‍યાબંધ કાર્યક્રમોની જાહેરાત થશે ત્‍યારે કાર્યકરોને દોડતા રાખવા કેટલીક નિમણૂકો જરૂરી છે. તાજેતરમાં સરકારના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સંદર્ભે લોકો સુધી પહોંચવા માટે એકતા યાત્રાનો મહત્‍વાકાંક્ષી કાર્યક્રમ જાહેર કરાયો હતો પરંતુ અનેક સ્‍થળે કાર્યકરોએ આ મુદ્દાથી લઇને અન્‍ય બાબતોમાં પણ નારાજગીના કારણે સક્રિય થઇને ભાગ ન લેતા ફિયાસ્‍કો જોવા મળ્‍યો હતો. તેના કારણે જ ખુદ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને કાર્યકરોનો ઉત્‍સાહ વધારવા બીજા તબક્કાનો પ્રારંભ પોતાનાથી કરવા અસલાલી ખાતે મેદાનમાં ઉતરવાની છેલ્લી ઘડીએ ફરજ પડી હતી. ભાજપના કાર્યકરોમાં પ્રથમ તબક્કે ઓછામાં ઓછા ૩૦ જેટલા કાર્યકરો-નેતાઓની બોર્ડ-નિગમોમાં નિમણૂક કરાય તેવી આશા છે. કોંગ્રેસમાંથી જોડાયેલા નેતાઓને રાતોરાત સારા બોર્ડ કે નિગમમાં મહત્‍વના હોદ્દા અપાયા છે ત્‍યારે વર્ષોથી કામ કરતા અને ચૂંટણી સમયે ઘર-વ્‍યવસાય બાજુએ મૂકીને દોડતા કાર્યકરો-નેતાઓને પ્રોત્‍સાહન અને ટેકો મળી રહે તે માટે પણ નિમણૂકો અનિવાર્ય બની છે. 

(10:38 am IST)