Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગાંધીનગર ઝોનની નગરપાલિકાઓની મળી ગયેલ રીવ્યુ બેઠક

કાલે અમદાવાદમાં બેઠક : ફાઇનાન્સ બોર્ડનો ચેરમેન ધનસુખભાઇ ભંડેરીનું માર્ગદર્શન

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વિકાસની દોડમાં નગરપાલીકાઓને પણ જોડવા અને નવી ટેકનોલોજીથી સજજ કરવા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયની ૧૬૨ નગરપાલિકાઓમાં રીવ્યુ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતમાં કરવામાં આવેલ છે. આ અંતર્ગત ગાંધીનગર ઝોનની ૩૦ નગરપાલિકાઓ માટે ગાંધીનગર ખાતે રીવ્યુ બેઠક મળી હતી. જેમાં પાટણ જિલ્લાની પાટણ નગરપાલીકા, સિધ્ધપુર નગરપાલીકા, રાધનપુર નગરપાલીકા, હારીજ નગરપાલીકા, ચાણસ્મા નગરપાલીકા, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલીકા, ડીસા નગરપાલીકા, થરા નગરપાલીકા, મહેસાણા જિલ્લાની મહેસાણા નગરપાલીકા, વિસનગર નગરપાલીકા, કડી નગરપાલીકા, ઉંઝા નગરપાલીકા, વડનગર નગરપાલીકા, વિજાપુર નગરપાલીકા, ખેરાલુ નગરપાલીકા, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલીકા, ઇડર નગરપાલીકા, ખેડબ્રહ્મા નગરપાલીકા, પ્રાંતિજ નગરપાલીકા, વડાલી નગરપાલીકા, તલોદ નગરપાલીકા, અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલીકા, બાયડ નગરપાલીકા, ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલીકા, દહેગામ નગરપાલીકા, માણસા નગરપાલીકા, પેથાપુર નગરપાલીકાએ ભાગ લીધો હતો. બેઠકમાં રાજયનગરપાલીકા કમિશ્નર મહેન્દ્રભાઇ પટેલ, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના સી.ઇ.ઓ. શ્રી પટ્ટણી, ગાંધીનગર પ્રાદેશીક કમિશ્નર અમિતપ્રકાશ યાદવ, અધિક કલેકટર ડી. એ. શાહ, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના શ્રી દરજી, શ્રી મકવાણા તેમજ નગરપાલીકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહીતના ઉપસ્થિત રહેલ. રીવ્યુ બેઠકને સંબોધતા ધનસુખ ભંડેરીએ જણાવેલ કે સૌનો સાથ સૌનો વિકાસ સાથે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર કાર્યરત છે. ત્યારે ગરીબો, પીડીતો, વંચિતો અને મહિલાઓનો વિકાસ થાય, રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી નગરપાલીકાઓને મહાનગરપાલીકા જેવી તથા મહાનગરપાલીકાઓને મેગા સીટી બને તે માટે આ રીવ્યુ બેઠકો યોજવામાં આવી રહી છે. આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટ તેમજ વિવિધ યોજનાઓ અંગે  માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

(3:40 pm IST)