Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

૧૦II લાખ ઉમેદવારોની પરીક્ષાની લાયકાત અંગે સરકારની ફેર વિચારણા

ટોચના આધારભૂત વર્તુળોએ 'અકિલા'ને આપ્યો સંકેતઃ પરીક્ષા રદ કરાતા ફેલાયેલ રોષ ઠંડો પાડવા પ્રયાસઃ ગૌણ સેવા પસંદગી મંડળે બિનસચિવાલય કલાર્ક અને કચેરી મદદનિશની ભરતી માટેની પરીક્ષા અચાનક રદ કરી ધો.૧રના બદલે સ્નાતકની લાયકાત જાહેર કરતા હોબાળોઃ રદ થયેલ પરીક્ષા પૂરતી શું છુટછાટ આપી શકાય? તેની શકયતા ચકાસતી સરકારઃ ટુંક સમયમાં રાહત રૂપ નિર્ણયની સંભાવના

રાજકોટ તા. ૧૬ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ની બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની ૩પ૦૦ જેટલી જગ્યાઓ માટે ૧ વર્ષ પૂર્વ ઓનલાઇન અરજીઓ મંગાવી તા.ર૦ ઓકટોબરે પરીક્ષા યોજવાનું જાહેર કરેલ ૧૦II લાખ જેટલા ઉમેદવારોને બેઠક ફાળવણી સહિતની કામગીરી પૂરી થયા બાદ ૪ દિવસ પહેલા સરકારના આદેશથી મંડળે અચાનક પરીક્ષા રદ જાહેર કરેલ. ઉમેદવારની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધો.૧ર પાસથી વધારીને ગ્રેજયુએટ કરી નાખવામાં આવેલ તેના કારણે ઉમેદવારોમાં રોષ ફેલાયેલ તહેવારો ટાણે જ યુવા વર્ગની નારાજગી અને કોંગ્રેસ જેવા વિપક્ષોની આ મુદ્દે સક્રિયતા જોઇને સરકાર આ પરીક્ષા પૂરતી લાયકાત બાબતે ફેર વિચારણા શરૂ કર્યાનું અત્યંત આધારભૂત વર્તુળો જણાવે છે. ઉમેદવારો માટે રાહતરૂપ વાવડ આવવાની આશા જન્મી છે.

ગ્રેજયુએટથી ઓછુ ભણેલા ઉમેદવારો પરીક્ષા ન આપી શકે તેવા સંજોગો ઉભા થતા લાગતા-વળગતા ઉમેદવારોમાં તીવ્ર નારાજગી વ્યાપી ગયેલ. વિવિધ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજકીય રીતે પણ આ મુદ્દો મોટો બની જાય અને સરકારે કાનૂની લડતનો પણ સામનો કરવો પડે તેવા સંજોગો દેખાતા પરીક્ષાની લાયકાતના મુદ્ે સરકારમાં ઉચ્ચ કક્ષાએ ફેર વિચારણા શરૂ થયાનું જાણવા મળે છે. સરકાર આ વખતની પરીક્ષા પુરતી ધો.૧ર પાસની લાયકાત યથાવત રાખે અથવા ખાસ કિસ્સા તરીકે અન્ય કોઇ પ્રકારની રાહત આપે તેવી પ્રબળ શકયતા આધારભુત વર્તુળો દર્શાવી રહ્યા છે. ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખ સહિતની આનંદદાયક જાહેરાત થવાની વાતો સંભળાવા લાગી છે.

(11:17 am IST)