Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વડનગર સિવિલ હોસ્પિટલ એક મેડિકલ હબ બની ચુકી

સિજેરિયન ડિલિવરી પણ મફત કરાય છે : હોસ્પિટલમાં ૪૦૦ બેડની વ્યવસ્થા કરાઈ : ઓપીડીમાં ૧૦૦૦ દર્દી પહોંચી રહ્યા છે : તમામ સુવિધા ઉપલબ્ધ

અમદાવાદ, તા. ૧૬ : ત્રણ વર્ષના ગાળામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગરમાં સિવિલ હોસ્પિટલ હવે મેડિકલ હબ તરીકે છે. આ હોસ્પિટલના એનઆઈસીયુ અને આઈસીયુમાં તમામ પ્રકારની સુવિધાઓ રહેલી છે. હોસ્પિટલમાં સિજેરિયન ડિલિવરી સહિત તમામ પ્રકારના દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે જ્યારે કોઇ પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સિજેરિયન ડિલિવરી માટે ૩૦૦૦૦ સુધીનો ચાર્જ લાગે છે. મોદીના ગૃહવતન વડનગરમાં ચિત્ર બદલાઈ ચુક્યું છે. ૪૦૦ બેડવાળી આધુનિક હોસ્પિટલમાં ઓપીડીમાં ૧૦૦૦થી વધુ દર્દીઓ પહોંચી રહ્યા છે. ૬૦૦ વિદ્યાર્થીવાળી મેડિકલ કોલેજે સફળતાની નવી પટકથા લખી દીધી છે. આજે આ વિસ્તારમાં મેડિકલ હેલ્થકેરને પ્રાથમિકતા મળી રહી છે. વડનગર જ નહીં બલ્કે આસપાસના જિલ્લાઓના હજારો લોકો પણ અહીં પહોંચી રહ્યા છે.

          મોદીની સક્રિયતાના લીધે મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓને ફાયદો થયો છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાને લઇને દર્દીઓ સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ વડનગરમાં અનેક વિકાસકામોને હાથ ધરવામાં આવ્યા છે. દર મહિને ૧૦૦થી ૧૩૦ જેટલી ડિલિવરી આ હોસ્પિટલમાં થઇ રહી છે. મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના ઇન્ચાર્જ નિલેશ શાહનું કહેવું છે કે, ત્રણ વર્ષ સુધી અમારી પાસે ૨૨૫ દર્દીઓને બેડ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા હતી. આમાથી મોટાભાગની મહિલાઓ ડિલિવરી માટે અહીં પહોંચી રહી હતી. સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવ્યા બાદ ઘણા ફેરફાર થઇ રહ્યા છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ડીએન મેડિકલ કોલેજમાંથી નિવૃત્ત થયા બાદ શાહ વડનગર આવ્યા હતા.

(8:47 pm IST)