Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે કાલે રાધાષ્ટમીની ઉજવણી

હજારો શ્રધ્ધાળુઓ ભકિતરસમાં તરબોળ થશે : શ્રી રાધા-માધવના મહા અભિષેકમ્ અને મહાઆરતીનું આયોજન : રાધા-માધવને અંલકારિક શણગારથી સજાવાશે

અમદાવાદ, તા.૧૬ : હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આવતીકાલે સોમવારે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે શ્રી રાધાષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રી રાધાષ્ટમીની ઉજવણીને લઇ મંદિર સત્તાધીશો દ્વારા તડામાર તૈયારીઓ અને આયોજન કરાયા છે. આવતીકાલે ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં રાધા-માધવને અલંકારિક અને આકર્ષક સાજ-શણગાર અને સુગંધીદાર પુષ્પોથી સજાવવામાં આવશે. શ્રી શ્રી રાધા માધવ ના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા ખાસ સેવા અર્પણ થાય છે. ૧૦૮ પ્રકારના ભોગ અર્પણ કરવા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભક્તો દ્વારા શ્રીમતી રાધારાણી માટે ભજન કીર્તન કરવામાં આવે છે જ્યારે સાંજે મહા અભિષેકમ્ અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે એમ હરેકૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદના પ્રમુખ સ્વામીજી જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતું. આવતીકાલે હજારો શ્રધ્ધાળુ ભકતો રાધાષ્ટમીની ઉજવણીમાં અને ભકિતરસમાં તરબોળ બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી રાધાષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમાં શ્રીમતી રાધારાણીના અવતરણનો શુભ દિન છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના ૧૫ દિવસના અંતે શ્રી રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીઓમાં રાધારાણીને મુખ્ય ગોપી તરીકે ખૂબ જ ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શુધ્ધ ભક્તિનો સાર છે. કૃષ્ણ ભક્તિ દ્વારા ભક્તો શ્રીમતી રાધારાણીની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે અને બપોર સુધી ઉપવાસ રાખે છે. હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આવતીકાલે શ્રી શ્રી રાધા માધવને ભવ્ય પ્રકારના વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પોથી શણગારવામાં આવશે. શ્રી રાધાષ્ટમી એ શ્રીમતી રાધારાણીના દિવ્ય પ્રાગટ્યનો મહા ઉત્સવ છે. જેઓ મથુરા પાસે સ્થિત પવિત્ર ભૂમિ બરસાનામાં અવતર્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી પછી પંદર દિવસે તેમજ ભાદરવા મહિનાના તેજસ્વી પખવાડિયામાં શુકલ પક્ષની આઠમના દિવસે શ્રીમતી રાધારાણીનો દિવ્ય પ્રાગ્ટ્ય શ્રી રાધાષ્ટમી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણભક્તો માટે શ્રી રાધાષ્ટમીે પણ શ્રી જન્માષ્ટમી ઉત્સવ જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમતી રાધારાણી સમગ્ર બ્રહ્માંડ માટે માતા સમાન આદર ધરાવે છે અને આ પાવન દિવસે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે શ્રીમતી રાધારાણીને પ્રાર્થના કરે છે. સ્વામીજી દ્વારા સર્વે ભક્તોને ઉત્સવમાં ભાગ લેવા તથા ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા અંતઃકરણપૂર્વક અનુરોધ કરાયો હતો. આવતીકાલે શ્રી રાધાષ્ટમીની ઉજવણીમાં વિશેષ અલંકાર, મહાઅભિષેક, પુરૂષસૂક્ત, મહાઆરતી, રાજભોગ, મહા મંગળા આરતી અને પાલકી ઉત્સવ અને ભજન-સંકિર્તન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. હજારો શ્રધ્ધાળુ ભકતો આવતીકાલે રાધાષ્ટમીની ઉજવણીમાં અને ભકિતરસમાં તરબોળ બનશે, જેને લઇ રાધા-માધવની ભકિતનો માહોલ છવાશે.

(9:08 pm IST)