Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ખોખરા-કાંકરિયા ઓવરબ્રીજ પાંચ ઓકટોબરથી બંધ કરાશે

૫૦ વર્ષ જૂના ઓવરબ્રીજને તોડીને ફરી બનાવાશેઃ ૨૦૧૫માં ઓવરબ્રિજનો ફૂટપાથ હિસ્સો નીચેના રેલવે ટ્રેક ઉપર પડતાં બેને ઇજા થઇ હતી : સાવચેતીરૂપે નિર્ણય

અમદાવાદ,તા.૧૫: અમદાવાદ શહેરમાં પૂર્વના વિસ્તારમાં મહત્વના રૂટ પરની આવ-જા માટે ૫૦ વર્ષ જૂનો કાંકરિયા-ખોખરા ઓવરબ્રીજ તા.૫મી ઓકટોબરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા બંધ કરવામાં આવનાર છે. ખોખરા-કાંકરિયા ઓવરબ્રીજના નવનિર્માણની કામગીરીને લઇ આ ઓવરબ્રીજ શહેરીજનો માટે બંધ કરાશે અને તેને નવેસરથી બનાવવાની કામગીરીનો પ્રારંભ થશે. અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આગામી તા.પ ઓક્ટોબરથી પચાસ વર્ષ જૂના ખોખરા ઓવરબ્રિજને તોડીને નવેસરથી બનાવવાનાં ચક્રો ગતિમાન કરાયાં હોઇ તેને બે વર્ષ માટે બંધ કરવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૩ ઓક્ટોબર, ર૦૧પની સવારે દશ વાગ્યે પચાસ વર્ષ જૂના ખોખરા-કાંકરિયા રેલવે ઓવરબ્રિજનો ફૂટપાથનો હિસ્સો અચાનક નીચેના રેલવે ટ્રેક પર તૂટી પડતાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતાં. તાજેતરમાં કમિશ્નર વિજય નહેરાએ શહેરનાં તમામ ૬૦ બ્રિજની મજબૂતાઇ ચકાસવાની સંબંધિત અધિકારીઓને તાકીદ કરતાં તંત્રમાં દોડધામ મચી છે. તંત્રનાં બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ખોખરા-કાંકરિયા રેલવે ઓવરબ્રિજના રિસ્ટોરેશન માટે રૂ.ર૯.૮૧ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય તરીકે ઓળખાતા આ રેલવે ઓવરબ્રિજનાં રેલવે તરફનાં હિસ્સાનાં નિર્માણ માટે રેલવે સત્તાવાળાઓ દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે. આ દરમ્યાન રોડ-બિલ્ડિંગ કમિટીનાં ચેરમેન રમેશ દેસાઇને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આગામી તા.પ ઓક્ટોબરથી બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધનાર હોઇ તેને બે વર્ષ માટે ટ્રાફિકની અવરજવર માટે બંધ રખાશે. શકય એટલો ઝડપથી નવા બ્રીજનું નિર્માણ કરી લોકો માટે તે ખુલ્લો મૂકાશે.

(9:49 pm IST)