Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

અમદાવાદની રાજપથ ક્લબમાં કોચનો વીડિયો ફેક પણ હોઇ શકેઃ તપાસ કરવા વાલીઓની માંગણી

અમદાવાદ: રાજપથ ક્લબના સ્વિમિંગ કોચ હાર્દિક પટેલે છોકરીઓને પટ્ટાથી ફટકારી હોવાનો વીડિયો બહાર આવ્યા બાદ ક્લબમાં ભેગા થયેલા વાલીઓએ આપેલું નિવેદન ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું છે. વીડિયો જોનારા સૌ કોઈ કોચ હાર્દિક પટેલ પર ફિટકાર વરસાવી રહ્યા છે, ત્યારે છોકરીઓના મા-બાપ તેને યોગ્ય ઠેરવી રહ્યાં છે.

રાજપથ ક્લબમાં વાલીઓના એક ગ્રુપે પોતાની ઓળખ જાહેર કર્યા વિના ઘટનાનો વિરોધ નહીં, પરંતુ કોચની તરફેણ કરી હતી. એટલું નહીં, સ્વિમિંગ શીખતા બાળકોના મા-બાપ તો કોચના વખાણ પણ કરી રહ્યા છે. મા-બાપનું તો ત્યાં સુધી કહેવું છે કે વીડિયો ફેક હોઈ શકે છે, અને તેની તપાસ થવી જોઈએ.

એક વાલીએ તો એમ પણ કહ્યું હતું કે, આવી કોઈ ઘટના બની નથી, અને અમે લોકો હાર્દિક પટેલના કોચિંગથી ખૂબ સંતુષ્ટ છીએ. હાલમાં અમારા બાળકોએ ઈન્ટર-ક્લબ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યા હતા, જે હાર્દિના કોચિંગને આભારી છે. રવિવારે અમારા બાળકોની કોમ્પિટિશન છે, ત્યારે વિવાદને કારણે અમારા બાળકો અપસેટ છે.

હાર્દિક પટેલ આટલો સારો કોચ છે તો પછી કોમ્પિટિશન પહેલા તે ગાયબ કેમ થઈ ગયો છે, તે અંગે પૂછતા એક વાલીએ પોતાનું નામ આપ્યા વગર જણાવ્યું હતું કે, તેઓ હાલ રજા પર છે અને કદાચ એટલે ફોન રિસીવ નથી કરી રહ્યા. તેઓ વીકેન્ડમાં બાળકોને કોમ્પિટિશન માટે લઈ જવાના હતા.

રાજપથમાં ભેગા થયેલા વાલીઓએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે, હાર્દિક પટેલ એટલા સારા કોચ છે કે ક્યારેક તો બાળકો અમારું નહીં, પણ તેમનું સાંભળે છે. જોકે, અહીં સવાલ ઉઠી રહ્યો છે કે, ગઈકાલે ક્લબમાં ભેગા થઈને કોચ હાર્દિક પટેલનો પક્ષ લેનારા વાલીઓની ઓળખ કેમ જાહેર નથી કરાઈ રહી, અને જેમની છોકરીઓને હાર્દિકે માર માર્યો છે, તેમના મા-બાપને કેમ મીડિયા સામે નથી લવાઈ રહ્યા?

(5:01 pm IST)