Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વડોદરામાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ડ્રાઇવરો-મજુરોને કોન્‍ટ્રાક્‍ટર દ્વારા નક્કી કરેલ પગાર ન આપતા 250 જેટલા કર્મચારીઓને હડતાલ

વડોદરાઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે લાવવામાં આવેલા ડ્રાઇવરો, મજૂરોને નક્કી કર્યા મુજબનો કોન્ટ્રાક્ટર દ્વારા પગાર આપવામાં ન આવતા 250 જેટલા ડ્રાઇવરો અને મજૂરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. અને કોન્ટ્રાક્ટર સામે દેખાવો કરી રોષ વ્યક્ત કર્યો હતો.

ડ્રાઇવરો અને મજૂરોએ જણાવ્યું હતું કે, અમોને નક્કી થયા મુજબનો રૂપિયા 22,500 પગાર આપી દો., અમે પરત અમારા વતન ચાલ્યા જઇશું. ઉલ્લેખનિય છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા જાન્યુઆરી-2021માં સ્થાનિક 450 જેટલા ડ્રાઇવરો-મજૂરોને છૂટા કરી દીધા હતા. અને તેઓની જગ્યાએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી રૂપિયા 22,500 પગાર આપવાનું જણાવી લાવવામાં આવ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે ચાર જેટલી એજન્સીઓ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છતા કોર્પોરેશન, સીડીસી, ઓમ સ્વચ્છતા કોર્પોરેશન અને વેસ્ટર્ન કંપની નામની એજન્સીનો સમાવેશ થાય છે. ચાર પૈકી બે એજન્સીઓ દ્વારા  ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા ડ્રાઇવરો અને મજૂરોનું શોષણ કરવામાં આવે છે. અવાર-નવાર કોન્ટ્રાક્ટરો અને મજૂરો વચ્ચે પગાર સહિતના મુદ્દે ઘર્ષણ થતું હોય છે.

મળેલી માહિતી પ્રમાણે ઓમ સ્વચ્છતા કોર્પોરેશન દ્વારા  વેસ્ટર્ન કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વેસ્ટર્ન કંપનીનો વોર્ડ નંબર 3,4 અને 12માં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનું કામ ચાલુ છે.  અન્ય એજન્સી દ્વારા જાન્યુઆરી-2021માં વર્ષોથી કામ કરતા 450 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં હતા. અને તેઓના સ્થાને આવેલી નવી  વેસ્ટર્ન કંપની મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 250 જેટલા ડ્રાઇવરો-મજૂરોને રૂપિયા 22,500 પગાર આપવાનું જણાવી લઇ આવ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી લાવવામાં આવેલા માણસોને વેસ્ટર્ન કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા 22,500 પગાર આપવાને બદલે રૂપિયા 15000 પગાર આપવામાં આવતા ડ્રાઇવરો અને મજૂરો રોષે ભરાયા હતા.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી માટે વડોદરા આવેલા માણસો પૈકી રાહુલે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમોને રૂપિયા 22,500 પગાર આપવાનું જણાવી 18-જાન્યુઆરી-021માં લાવવામાં આવ્યા હતા. અમે 250 જેટલા ડ્રાઇવરો-મજૂરો છે. અમોને પુરતો પગાર આપવામાં આવતો ન હોવાથી અમે આજે વડસર બ્રિજ પાસે ભેગા થઇ કામગીરીનો વિરોધ કર્યો છે. અમોને હવે કામ કરવું નથી. કોન્ટ્રાક્ટર અમોને બાકીના 3 માસનો પગાર રૂપિયા 22,500 પગાર આપી દે. અમે અમારા વતન ચાલ્યા જઇશું.

(4:25 pm IST)