Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

એચએસસી પરીક્ષાનું ઉત્તરવહી અવલોકન કાર્યવાહી શરૂ થઇ

વાલી-વિદ્યાર્થી ઉઠે એટલે ખુરશી સેનેટાઈઝ કરાય છે : ૧૯ જુલાઈ સુધી ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા ચાલશે ૬૫૦૦ જેટલા સાયન્સના વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે

અમદાવાદ, તા. ૧૬ : એચએસસી માર્ચ ૨૦૨૦ વિજ્ઞાન પરીક્ષા અંતર્ગત ઉત્તરવહી અવલોકન શરૂ કરાયું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સાઉથ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઉત્તરવહી અવલોકન પ્રક્રિયા શરૂ કરાઈ છે. ૧૯ જુલાઈ સુધી ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા ચાલશે. જિલ્લાના ૬૫૦૦ જેટલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ ઉત્તરવહી અવલોકન માટે ફોર્મ ભર્યા છે. માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લીના વિદ્યાર્થીઓને અલગ-અલગ દિવસે બોલાવવામાં આવ્યા છે. ઉત્તરવહી અવલોકનમાં વિદ્યાર્થીઓ પોતાના ગુણની ચકાસણી કરી શકે છે. ટોટલમાં ભૂલ સુધરી શકે, કોઈ પ્રશ્ન ચકાસવાનું રહી ગયું હોય તો તે ચકાસી શકાય, ઉત્તરવહીમાં અંદર માર્ક આપ્યા હોય બહાર રહી ગયા હોય તો તે સુધારી શકાય છે.

           વિદ્યાર્થીને મૂંઝવણ હોય તો વર્ગદીઠ બે વિષય નિષ્ણાંત પણ હાજર રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને કારણે ૨૪ જેટલા બાઉન્સર મુકવામાં આવ્યા છે. મુખ્ય ગેટ તેમજ તમામ મુખ્ય પોઈન્ટ પર બાઉન્સર અને શિક્ષકોને મુકવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, તેમજ સૌ કોઈ માસ્ક પહેરે તેની ખાસ તકેદારી રખાઈ છે. સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય એટલે મુખ્ય ગેટથી ઉત્તરવહી અવલોકન માટે એક વિદ્યાર્થી સાથે એક વાલીને પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થી અને વાલીને બોર્ડ તરફથી ફાળવવામાં આવેલા સમય મુજબ વિદ્યાર્થી પ્રવેશે છે, ત્યારબાદ વિદ્યાર્થીને કયા બેઠકરૂમમાં, કયા કલાસમાં બેસવાનું છે તેને અલગ અલગ કલર કોડ મુજબ પ્રવેશ આપવામાં આવે છે.

             તમામ વિદ્યાર્થીઓને ઉત્તરવહી અવલોકન અંગેની સમજ અપાયા બાદ વિદ્યાર્થીઓને તેમના વર્ગમાં, બેઠક પર લઈ જવા એક શિક્ષકની નિમણૂક કરાઈ છે. વિદ્યાર્થી અને તેના વાલી જ્યાં બેસે અને પછી ઊભા થાય ત્યારબાદ તમામ ખુરશીઓ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. વર્ગખંડમાં પણ ઉત્તરવહી ચકાસી લીધા બાદ તમામ બેન્ચ સેનેટાઈઝ કરાઈ રહી છે. એક સાથે ૧૬૦ વિદ્યાર્થીઓ અને ૧૬૦ વાલીઓ એમ કુલ ૩૨૦ લોકોને પ્રવેશ અપાઈ રહ્યો છે. એક વર્ગખંડમાં ૧૦ વિદ્યાર્થી અને ૧૦ વાલીઓ એમ કુલ ૨૦ લોકોને પ્રવેશ મળે છે. એક ફ્લોર પર વર્ગખંડ ઉત્તરવહી ચકાસણી માટે રાખવામાં આવ્યા છે. એક ફ્લોર પર ૪૦ વિદ્યાર્થી અને ૪૦ વાલીઓ એમ કુલ ૮૦ લોકોને પ્રવેશ અપાય છે. એક ફ્લોર પર ૮૦ એવા ફ્લોર પર ૩૨૦ લોકોને એક સમયે ઉત્તરવહી ચકાસણી માટે પ્રવેશ મળે છે. એક દિવસમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઉત્તરવહી ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. બે બેન્ચ વચ્ચે એક બેન્ચ ખાલી રાખી સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

(7:44 pm IST)