Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઇ બાંધછોડ નહી : હાઇકોર્ટ

વિદ્યાર્થીઓના આરોગ્યનું યુનિવર્સિટી દ્વારા ધ્યાન રાખવામાં આવે : UGCએ નક્કી કર્યા મુજબ સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા લેવાશે : ૩ જાહેર હિતની અરજીની હાઇકોર્ટમાં સુનાવણી

અમદાવાદ તા. ૧૬ : ગુજરાતમાં તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવાનું આયોજન થઇ રહ્યું છે ત્યારે હાઇકોર્ટમાં થયેલ ૩ જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઇ બાંધછોડ નહી કરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે.

કોરોનાના સંકટ કાળમાં યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ પરીક્ષાઓ લેવા માટે જાહેર કરવામાં આવેલા સમયપત્રક અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની કામગીરી પર હાલ રોક લગાવવાની માગ સાથે થયેલી જુદી જુદી ત્રણ જાહેર રીતે અરજીઓનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. હાઈકોર્ટનું અવલોકન છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીએ દ્વારા પરીક્ષાઓને લઇને ૬ જુલાઈના રોજ નવી માર્ગદર્શિકા જાહેર કરાયેલી છે. ત્રણેય અરજીઓમાં અરજદારની જે માગ છે, તે આ નવી માર્ગદર્શિકા અંતર્ગત પૂર્ણ થાય છે. યુનિવર્સિટીઓ છેલ્લા સેમિસ્ટર અથવા તો છેલ્લા વર્ષની પરીક્ષા ઓ સપ્ટેમ્બર ૨૦૨૦ ના અંત સુધીમાં લઈ લે. જયારે પણ પરીક્ષા લેવામાં આવે ત્યારે કોરોના સંદર્ભે કેન્દ્ર સરકારની જે માર્ગદર્શિકા છે તેનું કડકપણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત પરીક્ષા લેતી વખતે વિદ્યાર્થીઓના આરોગ્યનું યુનિવર્સિટી દ્વારા ધ્યાન રાખવામાં આવે.

ગુજરાત હાઇકોર્ટે નિદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓની સલામતી બાબતે કોઇ સમાધાન કરવું નહિ. પરીક્ષા યુનિવર્સિટી પોતે નક્કી કરે. હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની જે કાર્યવાહી શરૂ કરી છે, તેના માટે મંજૂરી આપતો રાજય સરકારનો પરિપત્ર, કેન્દ્રની માર્ગદર્શિકાનો ભંગ કરે છે. જો વિદ્યાર્થીઓ એક સાથે ફિઝિકલ પરીક્ષા આપવા માટે આવશે તો તેમના પર કોરોનાનો ખતરો રહેશે. બીજી તરફ, યુજીસીની રજૂઆત હતી કે યુનિવર્સિટીઓએ સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે.

(4:14 pm IST)