Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગ્રામ્ય કોર્ટના મહિલા સુપ્રિ.ના ગળામાંથી ચેઇન સ્નેચીંગ થઈ

શહેરમાં વધતો જતો ચેઇન સ્નેચરોનો ત્રાસ : મહિલા સુપ્રિટેન્ડન્ટ દ્વારા મણિનગરના પોલીસ મથમકમાં ફરિયાદ નોંધાવાઇ : ચેઇન સ્નેચરો હજુપણ સકંજાથી દુર

અમદાવાદ, તા.૧૬ : શહેરમાં દિન પ્રતિદિન ચેઇન સ્નેચરોનો ત્રાસ વધતો જાય છે. ચેઇન સ્નેચરો બેખોફ બનીને ચેઇન સ્નેચીંગના ગુનાને બિન્દાસ્ત રીતે અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં જ શહેરની મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં હીનાબહેન ભટ્ટના ગળામાંથી ચેઇન સ્નેચરો સોનાની ચેઇન લૂંટીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. હીનાબહેને આ અંગ મણિનગર પોલીસમાં અરજી આપી ચેઇન સ્નેચરોને પકડવા પોલીસને સમય આપ્યો હતો પરંતુ ૧૫ દિવસ બાદ પણ પોલીસ ચેઇન સ્નેચરોને પકડી નહી શકતાં આખરે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટના મહિલા સુપ્રિટેન્ડન્ટ હિનાબહેન ભટ્ટે આખરે મણિનગર અજાણ્યા ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. મણિનગર પોલીસે મામલાની ગંભીરતા ધ્યાને લઇ સઘન તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરન મણિનગર વિસ્તારમાં આવેલ સહારા એપાર્ટમેન્ટમાં રહેતાં અને મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં હીનાબહેન ભટ્ટ (ઉ.વ.પપ)એ મણિનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગ મામલે ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, તારીખ ૧ જુલાઇના રોજ હીનાબહેન કાંકરિયા ખાતે મોર્નીંગ વોક માટે ગયાં હતાં. મોર્નીંગ વોક કરીને હીનાબહેન પરત આવતાં હતાં તે સમયે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી ૪પ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા. હીનાબહેને બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા, જોકે ચેઇન સ્નેચરો એક્ટિવા લઇને રામબાગ તરફ જતા રહ્યા હતા. તે સમયે હીનાબહેન મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયાં હતાં, જોકે પોલીસે તેમની અરજી લઇને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી હીનાબહેને જણાવ્યું છે કે ચેઇન સ્નેચરોએ ચેઇન તોડ્યા બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયાં તે સમયે પોલીસે ફરિયાદની જગ્યાએ અરજી આપવાનું કહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે અરજીની તપાસમાં જો આરોપીઓ પકડાઇ જાય તો પોલીસ સ્ટેશનથી તમારો મુદ્દામાલ મળી જશે. ૧પ દિવસમાં આરોપીઓ પકડાઇ જશે તેવું કહેતાં અમે પહેલાં અરજી આપી હતી. જો કે, હજુ સુધી આરોપીઓ નહી પકડાતાં હવે ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

(9:23 pm IST)